રેલવે ટ્રેક ઓળંગવું બેદરકારી, પણ ગુનાહિત કૃત્ય નહીં! ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, મૃતકના પરિવારને ₹8 લાખ વળતર

રેલવે ટ્રેક ઓળંગવું બેદરકારી હોઈ શકે, પરંતુ તેને ગુનાહિત કૃત્ય ગણાવી રેલવે વળતરની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં, એવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરના પરિવારને 8 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
19 વર્ષીય મહેન્દ્રકુમાર નન્હકાનુ જુલાઈ 2023માં હાવડા-ગાંધીધામ એક્સપ્રેસમાં કાનપુરથી અમદાવાદ મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ભારે ભીડ અને અચાનક ઝટકાના કારણે તેઓ નીચે પટકાયા હતા. ટ્રેક પરથી દૂર જવાનો પ્રયાસ કરતા સમયે બીજી ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મૃત્યુ થયું હતું.
મૃતકના પરિવાર દ્વારા વળતરનો દાવો કરવામાં આવ્યો હતો, જોકે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલે દાવો ફગાવી દીધો હતો. પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલા આ નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે.
હાઈકોર્ટે નોંધ્યું કે રેલવે સ્ટેશન કે યાર્ડમાં ફૂટ ઓવરબ્રિજ દૂર હોય, પહોંચવામાં મુશ્કેલી હોય અથવા ભીડના કારણે મુસાફરો ટ્રેક ઓળંગતા હોય તો આ બેદરકારી હોઈ શકે, પરંતુ તેને ગુનાહિત કૃત્ય કે સ્વયં ઇજા સમાન ગણાવી શકાય નહીં.
આ સાથે જ હાઈકોર્ટે રેલવે પ્રશાસનને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. રેલવે અકસ્માતમાં વળતર અંગેનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.














