Ahmedabad / સરખેજમાં ધમધમતી ગુપ્ત ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ; NCBના રેડ ફ્લેગે ચિંતા વધારી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી લબ્બૈક સોસાયટીના એક બંગલામાં વર્ષ 2024થી ધમધમતી ડ્રગ્સ બનાવવાની ગુપ્ત ફેક્ટરીનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી NCBના ડ્રગ્સ નાબૂદી માટેના ખાસ 'રેડ ફ્લેગ' કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવી હતી. NCBના જોધપુર યુનિટે ગત નવરાત્રિ દરમિયાન રાજસ્થાનથી એમ.ડી. (MD) ડ્રગ્સ લઈને સુરેન્દ્રનગર આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ જોધપુર યુનિટના વડાની ગુજરાતમાં બદલી થતાં તપાસનો દોર આગળ વધ્યો હતો અને રાજસ્થાનની ટોળકી સાથે સંકળાયેલા સરખેજના રહીશ મુદ્દસરખાન અહેમદખાન પઠાણના ઘરેથી આ કથિત ડ્રગ્સ ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી. વર્ષ 2026માં અમદાવાદના સરખેજ ઉપરાંત ભરૂચ, સુરત અને અંકલેશ્વરમાં પણ ગેરકાયદે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે.
પશ્ચિમ દરિયાકાંઠાના રાજ્યોમાં નાઈટલાઈફ અને ડ્રગ્સનું વધતું દૂષણ
NCBના રિપોર્ટમાં એવી ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, દેશનું 'ફાર્મા હબ' ગણાતું ગુજરાત રાજ્ય હવે ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન ઉપરાંત ડ્રગ્સ સિન્ડિકેટના સંકલનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત સહિત પશ્ચિમ દરિયાકાંઠાના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ડ્રગ્સ બનાવવા માટેના રસાયણોની હેરાફેરી, ગેરકાયદે ઉત્પાદન અને ડ્રગ્સના કારણે નાઈટલાઈફની પ્રવૃત્તિઓ ચિંતાજનક રીતે વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને વિશેષ સતર્કતા દાખવવા સૂચના આપવામાં આવી છે.
રહેણાંક મકાનોમાંથી ઝડપાયો પ્રયોગશાળાનો સામાન અને જોખમી રસાયણો
આ બંને સંકલિત કામગીરી દેશવ્યાપી ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ટરિંગ યુનિટનો ભાગ હોવાની વિગતો બહાર આવી છે. ચાલુ વર્ષે ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, લાતુર અને ભોપાલ સહિતના વિસ્તારોમાં પકડાયેલી ફેક્ટરીઓમાંથી મોટા પાયે રસાયણો અને સાધનો જપ્ત થયા છે. મેથામ્ફેટામાઈનના ઉત્પાદનમાં વપરાતા હાઇડ્રોક્લોરિક એસિડ, એસિટોન, ટોલ્યુએન, સલ્ફ્યુરિક એસિડ અને પોટેશિયમ પરમેંગેનેટ જેવા રસાયણો મળી આવ્યા છે.
આ ઉપરાંત રહેણાંક મકાનો, ખાનગી અને અવાવરું જગ્યાઓમાંથી મોટી ક્ષમતાવાળા હીટિંગ મેન્ટલ્સ, કાચના રિએક્શન વેસલ્સ (પ્રતિક્રિયા પાત્રો), રસાયણો ભરવાના ડ્રમ, ફિલ્ટરેશનના સાધનો, વજન કાંટા અને શ્વસન યંત્રો (રેસ્પિરેટર્સ) જેવા પ્રયોગશાળાના ઉપકરણો પણ જપ્ત કરાયા છે.
દેશભરમાં એક જ પદ્ધતિથી ચાલતું નેટવર્ક અને NCBની તપાસ
ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં પકડાયેલી ડ્રગ્સ ફેક્ટરીઓ એક જ પદ્ધતિથી કાર્યરત હતી અથવા થવા જઈ રહી હતી. અગાઉ રાજસ્થાન, મુંબઈ, લાતુર, ભોપાલ, બાડમેર અને રાયગઢમાં પણ ગુપ્ત મેફેડ્રોન ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. આ ઉપરાંત NCBએ ઓક્ટોબર માસમાં ગ્રેટર નોઈડામાં બે ગુપ્ત કૃત્રિમ-દવા પ્રયોગશાળાઓ તોડી પાડીને 379.74 કિલો એમ્ફેટામાઈન ધરાવતી સામગ્રી અને 10 કિલો સ્યુડોએફેડ્રિન જપ્ત કર્યું હતું.
ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશના જેવર ખાતે રહેણાંક પરિસરમાંથી 30 કિલો એમ્ફેટામાઈન અને 30 કિલો રસાયણો, જ્યારે મુંબઈમાં વિરાર પોલીસે નાલાસોપારાથી પ્રયાગરાજ સુધીની મેફેડ્રોન ઉત્પાદન ચેઈન પકડી 52.932 કિલો મેફેડ્રોન જપ્ત કર્યું હતું. હાલ NCBના વિવિધ યુનિટો આ ફેક્ટરીઓને નાણાં પૂરા પાડતા ફાઇનાન્સર્સ, સપ્લાયર્સ, ટેકનિકલ મદદ કરનારાઓ તેમજ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય લિંક્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.
પોલીસ અને પ્રજાને સતર્ક રહેવા 'રેડ ફ્લેગ' પરિપત્ર
ડ્રગ્સ બનાવતી ગુપ્ત પ્રયોગશાળાઓ રોકવા માટે NCBએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 'રેડ ફ્લેગ' પરિપત્ર જારી કર્યો છે. ઘરો, ભાડાના મકાનો, ખેતરો અને ઔદ્યોગિક એકમોમાં આવી લેબોરેટરીઓ ચલાવાતી હોવાથી પોલીસ સ્ટેશનો માત્ર ડ્રગ્સ જપ્તી પૂરતા સીમિત ન રહેતાં આવી ફેક્ટરીઓ પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે.
સ્થાનિક પોલીસે બીટ કર્મચારીઓ, મકાનમાલિકો, મિલકત ડીલરો, ઔદ્યોગિક સંગઠનો અને રહીશોને નીચેની શંકાસ્પદ બાબતો જણાય તો તરત જ સતર્ક થવા તાકીદ કરી છે:
રાસાયણિક ડ્રમ અને પ્રયોગશાળાના સાધનોનો શંકાસ્પદ સંગ્રહ કે હિલચાલ.
વિસ્તારમાં આવતી અસામાન્ય રાસાયણિક ગંધ અને રાસાયણિક સ્ટેનિંગ (ડાઘ).
મકાનની કાળી કરેલી બારીઓ અને જરૂર કરતાં વધુ પડતું વેન્ટિલેશન.
અસામાન્ય રીતે ખૂબ વધુ વીજળી વપરાશ અને રાસાયણિક કચરાનો શંકાસ્પદ નિકાલ. યુવાધનના ભવિષ્ય અને દેશહિત માટે પ્રજાજનોએ પણ સામૂહિક લડાઈના ભાગરૂપે આવી શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ સ્થાનિક પોલીસ, રાજ્ય એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અથવા NCB ઑફિસને કરવી અત્યંત જરૂરી છે.
NCBના 'રેડ ફ્લેગ' રાજ્યો કયા છે અને શા માટે?
ગુપ્ત લેબોરેટરી, રસાયણોની હેરાફેરી, જેલની અંદર કે બહારથી ચાલતી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અને ક્રોસ બોર્ડર દાણચોરી રોકવા માટે NCBએ દેશના અમુક રાજ્યોને 'રેડ ફ્લેગ સ્ટેટ' જાહેર કર્યા છે:
પશ્ચિમ ભારત: ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં દરિયાઈ અને હવાઈ માર્ગે રસાયણો ઘુસાડવા, ડ્રગ્સ બનાવવા અને નાઈટલાઈફમાં વેચવા માટે આંતરરાજ્ય માફિયા સિન્ડિકેટ સક્રિય છે.
ઉત્તર-પશ્ચિમ ભારત: પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાનમાં ડ્રગ્સની દાણચોરી, ડ્રોન દ્વારા ટ્રાફિકિંગ તેમજ અફીણ અને ખસખસનું ગેરકાયદે ડાયવર્ઝન થઈ રહ્યું છે.
ઉત્તર-પૂર્વ ભારત: મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને આસામમાં ભારત-મ્યાનમાર સરહદ પરથી મેથ, યાબા અને હેરોઈન જેવા ડ્રગ્સની ઘુસણખોરી થાય છે.
અન્ય રાજ્યો: દિલ્હી અને આંધ્રપ્રદેશમાં ગુપ્ત લેબોરેટરી અને તસ્કરીની સંભાવનાઓને પગલે કડક પગલાં લેવાની તાકીદ કરાઈ છે.
રાજકીય આશ્રય અને વ્યસનમુક્તિ કેન્દ્રોની વાસ્તવિકતા
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તેવી સ્થિતિ વચ્ચે હવે નશીલા પદાર્થોની સરળ ઉપલબ્ધતાએ યુવા પેઢીનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. બુટલેગરો બાદ હવે ડ્રગ્સ માફિયાઓને મળી રહેલા રાજકીય આશ્રય અને પોલીસની મિલીભગત વિના આટલા મોટા પાયે હેરાફેરી શક્ય નથી. તપાસ એજન્સીઓ માત્ર નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, જ્યારે નેટવર્કના મુખ્ય સૂત્રધારો હજુ પણ કાયદાની પકડથી દૂર છે.
ભારતને ડ્રગ્સમુક્ત બનાવવાના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ મળી રહ્યું છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે દરેક જિલ્લાના વ્યસનમુક્તિ કેન્દ્રોમાં ડ્રગ્સ સામે સારવાર આપવી પડી રહી છે, જ્યારે બીજી તરફ ખાનગી વ્યસનમુક્તિ કેન્દ્રો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. સરકાર ઈચ્છે તો ચકલું પણ ફરકી ન શકે, પરંતુ રાજકીય છત્રછાયા હેઠળ બેફામ બનેલા ડ્રગ્સ માફિયાઓ યુવાવર્ગને બરબાદ કરી રહ્યા છે.














