ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ચિંતાજનક રિપોર્ટ, 66.2% મહિલાઓ અને 56.5% બાળકો એનિમિયાગ્રસ્ત

ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ચિંતાજનક રિપોર્ટ, 66.2% મહિલાઓ અને 56.5% બાળકો એનિમિયાગ્રસ્ત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં મહિલાઓ અને બાળકોમાં લોહીની ઉણપ એટલે કે એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સર્વેના અંદાજ મુજબ, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયની લગભગ દર ત્રણમાંથી બે મહિલાઓ (66.2 ટકા) અને 12થી 59 મહિનાની વયનાં અડધાથી વધુ બાળકો (56.5 ટકા) એનિમિયાથી પીડિત છે.

SAMPADA સર્વે હાથ ધરવામાં આવ્યો

જાહેરાત

કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ આંકડા ટાંકીને ગુજરાતને 'મોડેલ સ્ટેટ' તરીકે રજૂ કરવામાં આવે છે તેના પર સવાલ ઉઠાવ્યા છે. ICMRની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન દ્વારા વર્ષ 2023થી 2025 દરમિયાન SAMPADA સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં દેશનાં 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બે લાખથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

10થી 19 વર્ષની કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ 61.4 ટકા

સર્વેના અંદાજ મુજબ, ગુજરાતમાં 10થી 19 વર્ષની કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ 61.4 ટકા, 20થી 59 વર્ષની મહિલાઓમાં 63.8 ટકા અને 15થી 49 વર્ષની પ્રજનન વયની મહિલાઓમાં 66.2 ટકા નોંધાયું છે. જયરામ રમેશે આ અહેવાલ શેર કરતાં X પર લખ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'Anaemia and Micronutrient Deficiencies Across the Life Course in India' શીર્ષક હેઠળ અહેવાલ જાહેર કર્યો છે.

12થી 59 મહિનાની વયનાં બાળકોમાં એનિમિયાનું સૌથી વધુ પ્રમાણ ગુજરાતમાં

તેમણે લખ્યું, “ગુજરાતમાં વર્ષ 2023થી 2025 દરમિયાન 10થી 19 વર્ષની 61.4 ટકા કિશોરીઓ, 20થી 59 વર્ષની 63.8 ટકા મહિલાઓ અને 15થી 49 વર્ષની 66.2 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત હોવાનું સામે આવ્યું છે. આ મામલે માત્ર છત્તીસગઢની સ્થિતિ ગુજરાત કરતાં વધુ ખરાબ છે. જ્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય કેરળમાં આ પ્રમાણ અનુક્રમે 21.4 ટકા, 28 ટકા અને 29.1 ટકા છે. આ આંકડા ગુજરાતની સરખામણીમાં ઘણા ઓછા છે. તેમ છતાં, વડાપ્રધાન અને તેમના સમર્થકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવે છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, 12થી 59 મહિનાની વયનાં બાળકોમાં એનિમિયાનું સૌથી વધુ પ્રમાણ ગુજરાતમાં નોંધાયું છે. અહીં 56.5 ટકા બાળકો એનિમિયાથી પીડિત છે, જ્યારે કેરળમાં આ પ્રમાણ સૌથી ઓછું 14.5 ટકા છે. જયરામ રમેશે સવાલ ઉઠાવ્યો હતો કે, “આટલા ચિંતાજનક અહેવાલના પ્રકાશન બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પોતાના પદ પર ટકી શકશે?”

આ સર્વેમાં 1.7 લાખથી વધુ લોહીના નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હિમોગ્લોબિનનું પ્રમાણ માપવા માટે નસમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને ઓટોમેટેડ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, અહેવાલ જાહેર કરતી વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં એનિમિયાના મોટાભાગના કેસ હળવા પ્રકારના છે. તેમજ મોટાભાગના વયજૂથોમાં ગંભીર એનિમિયાથી પીડિત લોકોનું પ્રમાણ બે ટકાથી ઓછું છે.

ગુજરાતમાં 2 લાખથી વધુ બાળકો કુપોષિત

આ પહેલાં માર્ચ 2026માં ગુજરાત સરકારે પણ રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના આંકડા રજૂ કર્યા હતા. રાજ્યના 34માંથી 20 જિલ્લાઓમાં બે લાખથી વધુ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલોના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2026 સુધીમાં આ જિલ્લાઓમાં કુલ 2.05 લાખ બાળકો કુપોષિત તરીકે ઓળખાયા હતા.

આ પૈકી લગભગ 1.69 લાખ બાળકો ઓછા વજનવાળા (Underweight) હતા, જ્યારે 36,805 બાળકો અતિશય ઓછા વજનવાળા (Severely Underweight) શ્રેણીમાં નોંધાયા હતા. ગૃહમાં રજૂ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના અનેક જિલ્લાઓમાં કુપોષણની સમસ્યા વધુ જોવા મળી છે. કુપોષિત બાળકોની સંખ્યામાં પંચમહાલ જિલ્લો 20,762 બાળકો સાથે પ્રથમ ક્રમે હતો. ત્યારબાદ બનાસકાંઠામાં 19,391 અને ખેડા જિલ્લામાં 18,590 બાળકો કુપોષિત નોંધાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત