ગુજરાતમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતાજનક સ્થિતિ! એનિમિયાના આંકડા રજૂ કરી શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારને ઘેરી
ગુજરાતને વિકસિત રાજ્ય ગણાવતી ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એક રિપોર્ટને ટાંકીને ગુજરાતમાં એનિમિયા એટલે કે રક્તક્ષીણતાની ગંભીર સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે.
શક્તિસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, વર્ષ 2023થી 2025 દરમિયાન ગુજરાતની 10થી 19 વર્ષની 61.4 ટકા કિશોરીઓ એનિમિયાથી પીડિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 20થી 59 વર્ષની 63.8 ટકા મહિલાઓ અને પ્રજનન વયની 66.2 ટકા મહિલાઓમાં રક્તક્ષીણતા જોવા મળી છે.
માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ નાનાં બાળકોમાં પણ એનિમિયાનું પ્રમાણ ચિંતાજનક છે. 12થી 59 મહિનાની વયનાં 56.5 ટકા બાળકો એનિમિયાથી પીડિત હોવાનું રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે.
કોંગ્રેસે ગુજરાતની સરખામણી કેરળ સાથે કરતાં જણાવ્યું છે કે કેરળમાં 12થી 59 મહિનાનાં બાળકોમાં એનિમિયાનું પ્રમાણ માત્ર 14.5 ટકા છે. જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ 56.5 ટકા છે. મહિલાઓના વિવિધ વયજૂથમાં પણ કેરળની સ્થિતિ ગુજરાત કરતાં સારી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની આ ગંભીર સ્થિતિ ચિંતાનો વિષય છે.
કોંગ્રેસે સરકાર સમક્ષ માંગ કરી છે કે આ આંકડાઓને ગંભીરતાથી લઈને એનિમિયા નાબૂદી માટે નક્કર પગલાં લેવામાં આવે અને મહિલાઓ તથા બાળકોના આરોગ્ય માટે અસરકારક કામગીરી કરવામાં આવે.હવે સવાલ એ છે કે વિકાસની વાતો વચ્ચે ગુજરાતની મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની આ સ્થિતિ સુધારવા સરકાર ક્યારે નક્કર પગલાં ભરશે?













