ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર અને PI સંજય પાદરીયા વફાદાર!
Controversy about Attack on Jayanti Sardhara by PI Sanjay Padaria | શું ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર અને જયંતિ સરધારા પર હુમલો કરનાર સંજય

શું ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર અને જયંતિ સરધારા પર હુમલો કરનાર સંજય પાદરીયા વફાદાર છે? આ વાત હુમલા બાદ જયંતિ સરધારાએ આપેલા નિવેદન અને PI સંજય પાદરીયાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી રહી છે. બીજી વાત એ છે કે જયંતિ સરધારા પર હુમલા સમયે PI સંજય પાદરીયા પાસે કોઈ હથિયાર હતું કે નહીં એ મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. જો કે આ મામલે જયંતિ સરધારાને પૂછવામાં આવતા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા છે.
સંજય પાદરીયાએ મને કહ્યું, “ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર અને કચરો” : જયંતિ સરધારા
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલા હુમલા મુદ્દે તેમનું નિવેદન સામે આવ્યું છે. જયંતિ સરધારાએ કહ્યું કે સંજય પાદરીયાએ મને કહ્યું તું ગદ્દાર છો અને ખોડલધામમાં હોવા છતાં સરદારધામમાં કેમ કામ કરશે તેવું કહ્યું હતું. જે ખોડલધામમાંથી સરદારધામમાં જાય તે બધા ગદ્દાર છે, તેવું PI સંજય પાદરીયાએ જણાવ્યું હતું.
સમાજના અગ્રણીઓએ સાચું હોય તેનો પક્ષ લેવો જોઈએ : જયંતિ સરધારા
જયંતિ સરધારાએ કહ્યું કે PI સંજય પાદરીયા સરદારધામ વિશે ખરાબ બોલ્યા અને મને ગદ્દાર કહ્યો એટલે માથાકુટ થઈ હતી. સમાજના અગ્રણીઓએ સાચું હોય તેનો પક્ષ લેવો જોઈએ. જોકે જ્યંતિ સરધારા એમ પણ કહ્યું કે મને કોઈએ અત્યાર સુધી સમાધાનનું કહ્યું નથી. હું છેલ્લા એક વર્ષથી સમાધાનના પ્રયત્નો કરી રહ્યો છું. આ મામલામાં સમાધાન થવું જોઈએ.
હથિયાર મામલે આપ્યો ગોળ ગોળ જવાબ
PI સંજય પાદરીયાએ જયંતી સરધારા પર કરેલા હુમલા અંગે હથિયાર અંગે જયંતી સરધારાએ ગોળ ગોળ જવાબ આપ્યો છે. ફરિયાદમાં તેમણે લખાવ્યું કે તેમના પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો. જો કે સીસીટીવી ફૂટેજમાં PI સંજય પાદરીયા પાસે હુમલા સમયે કોઈ હથિયાર ન હતું એવી વાત ચર્ચાઈ રહી છે. જો કે જયંતી સરધારાએ કહ્યું કે અંધારામાં મને જે કાંઈ દેખાયું એ ફરિયાદમાં લખાવ્યું છે.
PI સંજય પાદરીયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ
સરદારદાર ધામના ઉપપ્રમુખ જંયતિ સરધારા પર થયેલા હુમલા મામલે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરુદ્ધ વફાદારનો વોર શરૂ થયો છે..ખોડલધામની યુવા સમિતિ સાથે સંકળાયેલા કન્વીનરો તેમજ યુવાનો દ્વારા PI સંજય પાદરીયાને સમાજના વફાદાર ગણાવતી પોસ્ટ મૂકવામાં આવી. સોશિયલ મીડિયામાં PI સંજય પાદરીયાને સપોર્ટ કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.








