લોકસભા ચૂંટણી : જૂનાગઢ બેઠકથી હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા, કોંગ્રેસ ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગુ

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે મોડી સાંજે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જૂનાગઢ બેઠકથી હીરા જોટવા, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.
અમદાવાદ પૂર્વ સહિત ચાર બેઠકો પર પેંચ ફસાયો
કોંગ્રેસે આજે સુરેન્દ્રનગર, વડોદરા, અને જૂનાગઢ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે, બાકીને અન્ય ચાર બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. જેમાં રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ અને મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
જૂનાગઢમાં રાજેશ ચુડાસમા Vs હીરા જોટવા વચ્ચે જંગ જામશે
ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે, સાબરકાંઠા, રાજકોટ સહિતની બેઠક પર ઉમેદવારોને લઈને કકળાટ ચાલી રહ્યો છે. ભાજપે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપી છે. ત્યારે આજે કોંગ્રેસે તેમની સામે હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વડોદરાથી કોંગ્રેસ જશપાલસિંહ પઢિયાર ટિકિટ આપી છે. ત્યારે ભાજપે વડાદોરમાં ઉમેદવાર બદલીને ડો. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે. તેમ છતાં પણ ભાજપમાં અંદરખાને ઉમેદવારને લઈને ડખો ચાલી રહ્યો છે.
હીરા જોટવા ગીરસોમનાથ જિલ્લાના આહીર સમાજના આગેવાન છે. 2022માં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જોકે, હારનો સામનો કરવો પડ્યો હતો. આહીર સમાજ પર પણ સારી પકડ ધરાવે છે.
ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.








