સુરતમાં રસ્તા પર પડેલા ખાડામાં ભાજપના ઝંડા લગાવી કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત
સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હો

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ ચંદ્રની ભૂમિ સમાન બની ગયા હોય તેમ ખાડાઓ પડી ગયા છે. ત્યારે આ ખાડાઓમાં ભાજપના ઝંડાઓ રોપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી.
ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર
કોંગી કાર્યકર્તા નિલેશ ડોંડાએ કહ્યું કે, પર્વત પાટિયા વિસ્તારમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા હતા. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ પાલિકાના શાસનમાં હોવા છતાં પણ લોકોની સુખાકારી માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી અમે આજે ભાજપના ઝંડાને જ તેના કહેવાતા વિકાસના ખાડઓમા લગાવીને વિરોધ કર્યો હતો. જોકે ભાજપ અમારાથી ડરતી હોય તે રીતે પોલીસને આગળ કરીને અટકાયતી પગલાં લીધા છે.
મુર્ખ બનાવતુ ભાજપ
કોંગ્રેસના મહામંત્રી ફૈઝલ રંગૂનીએ કહ્યું કે, ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. રોડ પર પેચ મારવાનું કામ કરીને લોકોને ભાજપ મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લોકોના વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં આ ખાડાઓ પુરવામાં આવી રહ્યા નથી. જેથી આ પ્રકારનો વિરોધ કર્યો છે. સાથે જ આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભાજપની ઓફિસનો પણ ઘેરાવ કરવાની તૈયારી છે.








