વાવ વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો જંગ
રાજ્યના વાવની પેટાચૂંટણી ભાજપ, કોંગ્રેસ બન્ને પક્ષો માટે રસાકસી ભર્યો જંગ રહેવાનો છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબ

રાજ્યના વાવની પેટાચૂંટણી ભાજપ, કોંગ્રેસ બન્ને પક્ષો માટે રસાકસી ભર્યો જંગ રહેવાનો છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે ભાજપ કોને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારે છે. તો બીજી તરફ વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત
ગુલાબસિંહ રાજપૂત સુઈ ગામના અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. થરાદના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં પેટાચૂંટણી જીત્યા હતા.
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.
ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.








