સુરત મહાનગરપાલિકાના 19 કર્મચારી મંડળોનો સામુહિક વિરોધ, હાફ CL પર ઉતરી કચેરીએ કરી નારેબાજી
સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર માગોને લઈને ઘણા સમયથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. ત્યારે અલગ અલગ મંડળો એક નેજા

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર માગોને લઈને ઘણા સમયથી સંઘર્ષ ચાલતો આવ્યો છે. ત્યારે અલગ અલગ મંડળો એક નેજા હેઠળ આવીને રજૂઆતને ઉગ્ર બનાવી હતી. 19 જેટલા કર્મચારી મંડળ કર્મચારી મંડળ દ્વારા ઉપરી અધિકારીઓની બદલીથી લઈને દુર્ઘટના વખતે કર્મચારીઓને કરાતા સસ્પેન્ડ સહિતના મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બદલીની કરાઈ માગ
કર્મચારી મંડળ દ્વારા ડેપ્યુટી કમિશનર આર બી ભોગયતા ,મધ્યસ્થ મહેકમના આસિસ્ટન્ટ કમિશનર અજય ભટ્ટ, નાયબ અધીકારી ડોક્ટર એપી ભટ્ટની બદલી કરવા સહિતની માંગ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના બને ત્યારે નીચેના કર્મચારીનો ભોગ લેવાય છે અને તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તે પદ્ધતિ રોકવા સામે પણ માંગ કરી છે. આ ઉપરાંત આરોગ્ય વહીવટ ટેકનિકલ અને અન્ય કેડરમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ કરવી તેમ જ બઢતી સાથે જગ્યા ભરવાની પણ માંગ કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને નોકરીની માગ
શહેરનું હદ વિસ્તરણ થાય છે પરંતુ વધારાનું મહેકમ મંજૂર થતું નથી આથી કર્મચારીઓ પર આવતો વર્ક લોડ ઘટાડવાની માંગ કરવામાં આવી છે. ત્રણ વર્ષના તાલીમાર્થી કર્મચારીઓ છે તેમને કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ગત વર્ષે કુલ 39 જેટલા કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા તેઓના આશ્રિતોને નોકરી આપવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત ગત વર્ષે ૨૫ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ તમામ કર્મચારીઓને ફરીથી નોકરી પર હાજર કરવાની પણ માંગ ૧૯ જેટલા વિવિધ કર્મચારી મહામંડળોએ કરી છે. આજે કર્મચારી મહામંડળના આદેશને લઈને બપોર પછી ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ હાફ સીએલ ઉપર ઉતરી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.







