Video/ નળ છે પણ જળ નથી: કુપ્પા પાણી પુરવઠા યોજનાના દાવા પોકળ, ઉનાળાની શરૂઆતે જ નસવાડીમાં જળસંકટ
છોટાઉદેપુર જિલ્લાના Nasvadi તાલુકાના કુકરદા ગામમાં ઉનાળાની શરૂઆત સ
છોટાઉદેપુર જિલ્લાના Nasvadi તાલુકાના કુકરદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગંભીર પાણી તંગી ઊભી થઈ છે. ગામના 12 જેટલા ફળિયામાં વસતા આશરે 6 હજારથી વધુ લોકો હાલ પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે.
કુકરદા ગામના બોડાબરા ફળિયામાં જ લગભગ 500 લોકો વસે છે. ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા છે અને ત્રણ વર્ષ પહેલા પાણીની ટાંકી પણ બનાવવામાં આવી હતી. તેમ છતાં, કુપ્પા પાણી પુરવઠા યોજના અંતર્ગત આજદિન સુધી પાણી પહોંચ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉનાળાની શરૂઆતમાં જ ગ્રામ પંચાયતના વોટરવર્ક્સના બોરના પાણીનું સ્તર નીચે જતાં બોર સુકાઈ ગયા છે. નદીઓ પણ સૂકી જતા હાલ ગામલોકો માટે પાણીનો એકમાત્ર આધાર સમાપ્ત થઈ ગયો છે. પરિણામે દૈનિક જીવન પર સીધી અસર પડી રહી છે.
કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ સરકાર દ્વારા 82 કરોડથી વધુની રકમ ફાળવી 82 ગામોને નર્મદાનું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિવિધ ગામોમાં ટાંકીઓ, પાઈપલાઇન અને નળ બેસાડવાની કામગીરી પણ પૂર્ણ થઈ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ કુકરદા ગામના અનેક ફળિયામાં નળમાં એક ટીપું પણ પાણી આવતું નથી.
પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ તેના વિરુદ્ધ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કાગળ ઉપર વિકાસ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે.
આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા આ ગામની હાલત જોઈ સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વિકાસની વાતો કરનાર નેતાઓ શું અહીં મુલાકાત લેશે? અધિકારીઓ દ્વારા પણ છેવાડાના ગામોની જાત તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
ગ્રામજન અનિલભાઈ ડુંગરાભીલ અને કાંતિભાઈ રોહિતે જણાવ્યું હતું કે કરોડો રૂપિયાની યોજના છતાં પાણી ન મળવું દુર્ભાગ્યપૂર્ણ છે અને જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.
હાલ કુકરદા ગામમાં પાણીની સમસ્યા ઉકેલાય તે માટે ગ્રામજનો સરકાર અને પ્રશાસન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે.








