MP છિંદવાડામાં બાળકોના મોતનો મામલો: ગુજરાતની બે કંપનીઓના નામ આવ્યા સામે, SITની તપાસ
મધ્ય પ્રદેશમાં કફ સિરપથી 16 બાળકોના મૃત્યુનો ચોંકાવનારો મામલો સામે આવત

મધ્ય પ્રદેશમાં કફ સિરપથી 16 બાળકોના મૃત્યુનો ચોંકાવનારો મામલો સામે આવતાં,તપાસમાં ગુજરાતમાં બનેલા બે કફ સિરપમાં ખતરનાક ડાયઇથિલિન ગ્લાયકોલના અસ્તિત્વનો ખુલાસો થયો છે. રી લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામના કફ સિરપમાંથી ઝેરી રાસાયણિક પદાર્થની વધુ માત્રા મળી છે. મધ્ય પ્રદેશના FDA વિભાગે ગુજરાત સરકારને 10 સેમ્પલ "નૉન-સ્ટાન્ડર્ડ" હોવાનું જણાવતાં, સુરેન્દ્રનગર અને બગોદરાની ફાર્મા કંપનીઓ રડાર પર આવી છે.
બગોદરામાં રેડ બાદ ઉત્પાદન તાત્કાલિક બંધ કરાયું
બગોદરામાં રેડ બાદ ઉત્પાદન તાત્કાલિક બંધ કરાયું છે. કેન્દ્ર અને રાજ્યની તપાસ એજન્સીઓએ ગુજરાતમાં ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે 500થી વધુ ફાર્મા યુનિટની તપાસ શરૂ કરી છે. ત્યારબાદ સરકાર હવે બંને સિરપ પર પ્રતિબંધની કાર્યવાહી કરી રહી છે અને SITની રચના પણ કરવામાં આવી છે, જેથી દોષિતોને જવાબદાર ઠેરવી શકાય.
મેડિકલ સ્ટોર્સની તપાસ હાથ ધરાઈ
આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો કામે લાગી છે. કફ સિરપમાં કથિત કન્ટેન્ટ છે કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કારણોસર જ ફાર્મા કંપનીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ઉપરાંત કફ સિરપ વેચતાં મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કથિત કન્ટેન્ટ સાથેનું કફ સિરપ વેચતાં પકડાશે તે મેડિકલ સ્ટોર્સનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયુ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોને પણ કફ સિર૫ મામલે તાકીદ કરાઇ છે.
અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું ધૂમ વેચાણ
મેડિકલ સ્ટોર્સ પર કફ સિરપના વેચાણને લઈને કોઈ પ્રતિબંધ નથી. આ કારણોસર અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના જ કફ સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અપૂરતા સ્ટાફને કારણે મેડિકલ સ્ટોર્સના સંચાલકોને ફાવતુ મળ્યું છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન દવા આપી શકાય નહીં તે નિયમો ધરાર ઉલાળિયો થયો છે. આજે પણ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં તો મેડિકલ સ્ટોર્સ પર ઘણી પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રીપ્શન વિના જ મળી જાય છે. કેટલીય મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ જ હોતા નથી.
નશા ખાતર કફ સિરપનો બેફામ ઉપયોગ, યુવાઓ બંધાણી બન્યા
દારૂને બદલે કફ સિરપ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાથી બંધાણીઓ કફ સિરપનો ધૂમ ઉપયોગ કરી રહ્યાં છે જેના કારણે કફ સિરપની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છૂટક મજૂરી કરતા અને કારખાનામાં કામ કરતાં કામદારોને નશો કરવાની આદત પડી ગઈ હોય તે કફ સિરપના નશાના બંધાણી બન્યાં છે. સિરપમાં કોડિન ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય છે જે દારૂ જેવા નશાનો અહેસાસ કરાવે છે જેથી ટિનેજરો અને યુવાનોમાં કફ સિરપનું વ્યસન સૌથી વધુ પ્રમાણમાં છે







