દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં જળબંબાકારને પગલે CM ભૂપેન્દ્ર પટેલ થયા એક્ટિવ, અધિકારીઓને આપ્યા આદેશ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, સંખ્યાબંધ જિલ્લામાં ભારે

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, સંખ્યાબંધ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાવવાની સર્જાઈ હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિનિ સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. SEOમાં મુખ્યમંત્રીએ હવામાન વિભાગ, NDRF, SDRF, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી.
અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરતના મ્યુનિ કમિશર સાથે બેઠક યોજી
ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનરો સાથે સંપર્ક યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે તેમણે જાણકારી મેળવી હતી. જે સ્થળો પર હાલ પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે એટલે તરત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો ઝડપથી પૂર્ણ કરવાના આદેશ મુખ્યમંત્રી દ્વારા બેઠકમાં આપવામાં આવ્યા હતા.
બેઠકમાં માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ઝડપથી વાહન વ્યવહારયુક્ત બને તે માટે મશીનરી કામે લગાડવાની સૂચના માર્ગ-મકાન વિભાગને આપવામાં આવી હતી, જો કાર્ય સ્થળ પર કોઈ મશીનરી કે અન્ય સાધનોની જરૂર પડેતો નજીકના જિલ્લામાંથી વ્યવસ્થા કરીને પણ સ્થિતિ ઝડપભેર પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને પણ તાકીદ કરી હતી.
માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી. NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તહેનાત છે તે અંગેની વિગતોનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.








