મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેન્દ્ર અને ગુજરાત સરકારે જાહેર કરી આર્થિક સહાય, જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 લોકોનાં થયા મોત

કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત એક કંપનીમાં દિવાલ બનાવતા સમયે માટીની ભેખ

કેન્દ્ર અને ગુજરાત સરકારે જાહેર કરી આર્થિક સહાય, જાસલપુરમાં ભેખડ ધસી પડતા 9 લોકોનાં થયા મોત

કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત એક કંપનીમાં દિવાલ બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડતા 9 મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારે આર્થિક સહાય જાહેર કરી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાન્યું કે, મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યકત કરું છું.  ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરું છું. મૃતકોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.  રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે. આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે.

દિવાલ બનાવતા સમયે માટીની ભેખડ ધસી પડી

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્થિત સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયામ એકાએક માટીની ભેખડ ધસી પડતા 10થી વધુ મજૂરો દટાયા છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ JCBની મદદથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

આ ઘટનામાં માલિકની બેદરકારી સામે આવી છે. આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કામદારોએ જણાવ્યું હતું કે, ‘આ ભાગ જોખમી છે, મોટી દુર્ઘટના સર્જાઇ શકે તેમ છે. પરંતુ તેમની વાતની અવગણના કરાઈ હતી અને કામગીરી આગળ ધપાવી હતી. છેવટે નવી ફેક્ટરીની બની રહેલી દીવાલ ધસી પડી હતી.

આ ઘટનામાં મેનેજર અને સુપરવાઇઝર કૌશિક પરમાર સામે કાર્યવાહી કરવામાં આવશે.  સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ ચાલુ છે. આ દુર્ઘટના સર્જાતા દશેરાના દિવસે જાસલપુરમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

આ સમાચાર શેર કરો