મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે', હૃદયને તંદુરસ્ત રાખવા અંગે કાર્ડિયોલોજીસ્ટની સલાહ

દર વર્ષે વિશ્વભરમાં 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાય છે ત્યારે શહેરના કાર્ડિયોલોજીસ્ટે લો

'સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે', હૃદયને તંદુરસ્ત રાખવા અંગે કાર્ડિયોલોજીસ્ટની સલાહ

દર વર્ષે વિશ્વભરમાં 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાય છે ત્યારે શહેરના કાર્ડિયોલોજીસ્ટે લોકોને આહાર અને કસરતની સાથે-સાથે તેમની ભાવનાત્મક સુખાકારી ઉપર પણ વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે. મજબૂત સંબંધો એટલે કે રોમેન્ટિક, પારિવારિક અથવા સામાજિક વગેરે જેવી કોઇપણ ભાવનાત્મક બાબતો હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ મોટાભાગે તેની અવગણના થાય છે.

અપોલો હોસ્પિટલ્સ અને અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના કાર્ડિયોલોજી સર્વિસિસના ડિરેક્ટર ડો. સમીર દાણીએ કહ્યું હતું કે, “સકારાત્મક સંબંધો તણાવ ઘટાડે છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે તેમજ હૃદયના એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જ્યારે તમને લાગે કે તમારી કાળજી લેવાઇ રહી છે ત્યારે તમારી નર્વસ સિસ્ટમ શાંત રહે છે, હ્રદય ઉપરનો તણાવ ઘટે છે તેમજ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. ઉદાહરણરૂપે, પરિણીત લોકો ઘરની સપોર્ટ સિસ્ટમને કારણે હ્રદયની પ્રક્રિયા બાદ ઝડપથી રિકવર થાય છે.”

રોમેન્ટિક સંબંધોથી વધુ લાભ થાય

ડોક્ટરોએ સૂચવ્યું હતું કે, આ લાભો રોમેન્ટિક સંબંધોથી પણ વધુ છે. પરિવાર અને મિત્રો સાથેનું ગાઢ જોડાણ તેમજ પાલતુ પ્રાણીઓ સાથેનો પ્રેમ હ્રદયની બિમારીમાંથી સુધારો પ્રાપ્ત કરવામાં ઉપયોગી બની શકે છે તેમજ ભાવિ સમસ્યાઓનું જોખમ પણ ઘટાડે છે.

સહયોગ ન મળવાથી દર્દીની રિકવરીમાં વિલંબ થાય

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને કેથલેબના ડિરેક્ટર ડો. જયેશ પ્રજાપતિએ કહ્યું હતું કે, “જે દર્દીઓને ખબર હોય કે તેમની પાસે એવું કોઇ વ્યક્તિ છે કે જેમના ઉપર તેઓ ભરોસો કરી શકે છે, તેમની તબીબી સલાહનું પાલન કરવામાં, સમયસર દવા લેવા અને કાર્ડિયાક રિહેબિલિટેશન સેશનમાં સામેલ થવાની સંભાવનાઓ વધુ રહે છે. બીજી તરફ એકલતા અથવા સહયોગ ન મળવાથી દર્દીની રિકવરીમાં વિલંબ થાય છે અને તેમના હૃદયનું સ્વાસ્થ બગડી શકે છે.” તેમણે ઉમેર્યું હતું કે, પ્રોફેશનલ સ્ટ્રેસ, કામકાજના લાંબા કલાકો અને અપર્યાપ્ત આરામ હૃદય બિમારીમાં છૂપું યોગદાન આપે છે. દરરોજ 7-8 કલાકની ગાઢ ઊંઘ હૃદયના સ્વસ્થ્યની જાળવણીમાં મદદરૂપ બનતા આહાર, કસરત અને દવાઓ જેટલી જ આવશ્યક છે. 

તણાવ અને હૃદયના આઘાત લાગવાના છુપા જોખમો

નિષ્ણાંતો ચેતવણી આપે છે કે ટોક્સિક સંબંધો અથવા ભાવનાત્મક આઘાતની વિપરિત અસરો થઇ શકે છે. આ પરિસ્થિતિ બ્રોક હાર્ટ સિન્ડ્રોમ અને તબીબી ભાષામાં ટાકોસ્યુબો કાર્ડિયોમ્યોપેથી તરીકે ઓળખાય છે. અચાનક કોઇ પ્રિયજનનું મૃત્યુ, કોઇ વ્યક્તિથી અલગ થઇ જવું અથવા વધુ પડતા તણાવને કારણે તે થઇ શકે છે. તે હાર્ટ એટેક જેવું હોઇ શકે છે, જેમાં છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે, તેને ઠીક કરી શકાય છે, પરંતુ કેટલાંક હિસ્સામાં તે કાયમી નુકાશન કરી શકે છે. લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે, જેના પરિણામે સમયજતાં કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે.

યુવાનોમાં ચિંતાજનક પ્રમાણ

વિશ્વ હૃદય દિવસ કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્ય ઉપર વૈશ્વિક ધ્યાન દોરે છે ત્યારે મેડિકલ એક્સપર્ટ્સ યુવા પેઢીને યાદ અપાવે છે કે હૃદયની બિમારી હવે વૃદ્ધો સુધી જ સીમિત નથી. ડોક્ટરોએ હાર્ટ એટેક અથવા રિધમમાં સમસ્યા સર્જાઇ હોય તેવા યુવા દર્દીઓને પણ જોયા છે, જેનું મુખ્ય કારણ તણાવ, અસ્થિર સંબંધો, બિનઆરોગ્યપ્રદ આહાર અને બેઠાડું જીવન હોય છે. કામકાજના સ્થળો વધારે પડતું ભારણ અને અનિયમિત ઊંઘ યુવાનોમાં જોખમ વધારે છે. ડો. દાણીએ ઉમેર્યું હતું કે, “યુવાનોને અમારો મેસેજ ખૂબજ સરળ છેઃ તમારા સંબંધોની કાળજી રાખવી એટલે કે તમારું હ્રદયની સંભાળ રાખવી.”

નાની પહેલ, મોટો પ્રભાવ

ડોક્ટરોના કહેવા મૂજબ તમારા હૃદયની સંભાળ રાખવા જીવનશૈલીમાં જબરદસ્ત પરિવર્તનની જરૂર નથી. તમારા પ્રિયજન સાથે સમય વિતાવવો, એકબીજાનો આદર કરવો, મજબૂત મિત્રતા અથવા પાલતુ પ્રાણીઓની કાળજી રાખવા જેવાં કાર્યો જોખમી સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખે છે. આશાવાદ અને ભાવનાત્મક જોડાણ પણ જોખમ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

હૃદયના સ્વસ્થ્ય માટે વ્યાપક અભિગમ
કાર્ડિયોલોજીસ્ટ ભારપૂર્વક કહે છે કે હૃદયનું સ્વાસ્થ્ય બે તરફી પરિબળ ઉપર આધારિત છેઃ શારીરિક સ્વાસ્થ્ય ભાવનાઓને પ્રભાવિત કરે છે તેમજ ભાવનાત્મક સુખાકારી હૃદયને. ઉદાહરણરૂપે, તણાવ જેવાં પરિબળો હૃદય રોગનું જોખમ ત્રણગણું વધારે છે. બીજી તરફ પ્રેમ અને સપોર્ટથી દર્દી પ્રિવેન્ટિવ આદતોને ઝડપથી અપનાવીને સારવાર ઉપર ધ્યાન આપે છે. 

ડો. પ્રજાપતિએ ઉમેર્યું હતું કે, “આપણે વિશ્વ હૃદય દિવસ તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે અમારો સંદેશો સ્પષ્ટ છે. સ્વસ્થ્ય હૃદય માત્ર દવા અને કસરત સુધી સીમિત નથી, પરંતુ તે વ્યક્તિગત જોડાણ, પ્રેમ અને ભાવનાત્મક સંતુલન વિશે છે. તમારા મનને શાંતિ આપતા વ્યક્તિઓ સાથે રહો, તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખો અને જ્યારે વધુ પડતો તણાવ હોય ત્યારે મદદ લો. તમારા સંબંધો તમારા હૃદયના સ્વાસ્થ્ય માટેની સૌથી અસરકારક દવા હોઇ શકે છે. હંમેશા યાદ રાખો કે તમારા હૃદયને સુરક્ષિત રાખવામાં પૂરતી ઊંઘથી શરીરને પર્યાપ્ત આરામ આપવો એ સૌથી સરળ છતાં પાવરફુલ રીત છે.”

આ સમાચાર શેર કરો