મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! છથી સાત ધારાસભ્ય મંત્રી બની શકે; આ નેતાઓનું પત્તુ કપાશે

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. વડાપ્રધાન મોદીના બે દિવસના પ્રવાસ

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! છથી સાત ધારાસભ્ય મંત્રી બની શકે; આ નેતાઓનું પત્તુ કપાશે

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. વડાપ્રધાન મોદીના બે દિવસના પ્રવાસ બાદ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચા શરૂ થઇ છે. એક મહિનાની અંદર મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. ગુજરાતમાં નવી કેબિનેટમાં છથી સાત ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા સી.આર.પાટીલે પણ કેબિનેટ વિસ્તરણ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદને લઇને સંકેત આપ્યા હતા.

અર્જૂન મોઢવાડિયા સહિતના ધારાસભ્ય બની શકે છે મંત્રી

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ વચ્ચે મંત્રી મંડળના વિસ્તરણને લઇને ચર્ચા થઇ છે. કેબિનેટમાં છથી સાત નવા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રો અનુસાર અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા, હાર્દિક પટેલ મંત્રી બની શકે છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણમાંથી કોઇ નવા ચહેરાને તક મળી શકે છે.

આ નેતાઓના પત્તા કપાશે

બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ ગુજરાત સરકારના મંત્રીઓ છે, પરંતુ તેમના પર લાગેલા વિવિધ આરોપો અને કૌભાંડોના કારણે તેમનું મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થવાની શક્યતા છે. 

 પુત્રોને કારણે આ મંત્રીઓનું નામ ખરાબ થયું

બચુ ખાબડની મનરેગા કૌભાંડમાં સંડોવણી

બચુ ખાબડ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં કૃષિ રાજ્યમંત્રી છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લાગેલો છે. બચુ ખાબડના બન્ને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની આ મનરેગા કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડ બાદ બચુ ખાબડે સચિવાલય અને કેબિનેટ બેઠકોમાં હાજરી આપવાનું બંધ કર્યું છે.આ સાથે જ સરકારી કાર્યક્રમોમાં પણ બચુ ખાબડ અંતર જાળવી રહ્યા છે.

ભીખુસિંહના પુત્રનું BZના કૌભાંડી સાથે કનેક્શન

ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે અને તેમની રાજકીય પ્રવૃતિ મુખ્યત્વે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારમાં છે. ભીખુસિંહ પરમારના પુત્ર કરણસિંહ પરમારનું નામ 400 કરોડથી વધુના BZ કૌભાંડમાં સામે આવ્યું હતું. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સાથે કરણ સિંહ નજીકના સંબંધો હોવાનું ચર્ચાય છે.કરણસિંહ પર જાહેરમાં એક વ્યક્તિને ઢોર મારમારવાનો આરોપ લાગ્યો હતો જેને કારણે મંત્રીની પ્રતિષ્ઠા ખરડાઇ હતી.

મુકેશ પટેલના પુત્રનું નકલી હથિયાર લાઇસન્સ કૌભાંડમાં નામ

મુકેશ પટેલ ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી છે. મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે બોગસ દસ્તાવેજોના આધારે રિવોલ્વર માટે નકલી ગન લાઇસન્સ મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં 140 લોકોના નામ સામે આવ્યા છે જેમણે મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો ખરીદ્યા હતા.આ કૌભાંડને કારણે ભાજપ અને સરકારની પ્રતિષ્ઠા પર આંચ આવી છે જેના કારણે હાઈકમાન્ડ મુકેશ પટેલની હકાલપટ્ટીનું મન બનાવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો