સુરતમાં વિદ્યાર્થી જીવન અને સફળતા માટે થયું મંથન, સર્વાંગી કેળવણી અંગે અપાઈ સમજ
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા 23 ડિસેમ્બર ૨૦૨૪ ને સોમવારે સામાજિક જાગૃતિના ભાગ રૂપે

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા 23 ડિસેમ્બર ૨૦૨૪ ને સોમવારે સામાજિક જાગૃતિના ભાગ રૂપે “સફળતાનું પંચામૃત” તથા “જીવનનું પંચામૃત” કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બોટાદ આશ્રમવાળા પ્રખર રાષ્ટ્રીય વક્તા સ્વામી આત્માનંદ સરસ્વતીજી દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિદ્યાથી જીવનમાં સર્વાંગી સફળતા કેવી રીતે મેળવવી જોઈએ તે અંગે વિગતે રજૂઆત કરી હતી.આ કાર્યક્રમમાં વરાછા અને કતારગામ સહિત સમગ્ર સુરતની શાળાઓના 1200 થી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓ અનુક્રમે બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થીજીવનને સંકલ્પબધ્ધ સફળતા તથા સર્વાંગી વિકાસ માટેની નેમ લીધી હતી.
વિદ્યાર્થીઓ વાલીઓ માટે કાર્યક્રમ
વર્તમાન સમયમાં શાળાએ જતાં વિદ્યાર્થીઓને વાલીઓ સર્વાંગી કેળવણીને બદલે માત્ર ચોપડીયા જ્ઞાન તરફ વધુ ધકેલતા હોય છે. જે કારણો થકી વિદ્યાર્થીઓ સામાજીક,આર્થીક, સાંસ્કૃતિક, આહાર, વિહાર,જ્ઞાન, ધર્મ, રાષ્ટ્ર વગેરે જેવી બાબતોના અલ્પજ્ઞાનથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરતાં હોય છે.આ અજ્ઞાનતાના કારણે સમાજ જીવન પર ઘણીવાર માઠી અસરો જોવા મળતી હોય છે. જે અંગે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા સંચાલિત શ્રીમતી એમ.એમ. ખેની ભવન, કતારગામમાં બે પ્રેરણાત્મક જાહેર સામાજીક જનજાગૃતિ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે “સફળતાનું પંચામૃત” તથા વાલીઓ માટે “જીવનનું પંચામૃત” રાખવામાં આવ્યા હતા.
પ્રાકૃતિક પધ્ધતિની અપાઈ સમજ
કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રમેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે સમાજ જીવનને સ્પર્શતી નકારાત્મક બાબતો વિશેની વાત કરી હતી. તો કાર્યક્રમના મુખ્ય વક્તા અને પ્રખર રાષ્ટ્રીય વક્તા સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજીએ રાષ્ટ્ર તથા સામાજીક સંસ્કૃતીને કેન્દ્રમાં રાખી વિદ્યાર્થીઓએ કઈ રીતે સર્વાંગી સફળતા મેળવવી તેના વિષે માહિતી આપી હતી. ઉપરાંત વાલીઓએ પણ કઈ રીતે પોતાના બાળકોને ભારત દર્શન થકી પ્રાકૃતિક પધ્ધતિથી ઉછેર કરવો તેના વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. વિશેષમાં સ્વામીજીએ બાલિકાઓને આત્મરક્ષાની પણ વાત કરી હતી. અને આપણી સંસ્કૃતી તથા પરંપરાઓને ટાંકીને ભારત દેશને બ્રહ્માંડનો જ્ઞાનીદેશ પણ કહ્યો હતો.








