Video/ Botadમાં સગીરા પર અત્યાચાર કેસમાં બાળ અધિકાર આયોગની મોટી જાહેરાત; જાણો કોણ ઉઠાવશે બાળકની જવાબદારી
બોટાદ તાલુકામાં 14 વર્ષની સગીરા પર થયેલા બળાત્કાર અને ત્યારબાદ માતા બનવાની ગંભીર ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે આજે બાળ અધિકાર સંરક્ષણ આયોગ (Child Rights Protection Commission) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોગ બનનાર બાળકી અને તેના નવજાત બાળકના ભવિષ્યને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.
આરોપીને કડક સજાની માંગ
પ્રેસ કોન્ફરન્સમાં ચાઈલ્ડ વેલફેર કમિટી અને બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આરોપીને સખત અને દાખલો બેસાડે તેવી સજા અપાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Special PP) ની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
બાળકની સંપૂર્ણ જવાબદારી સરકાર ઉઠાવશે
બાળ અધિકાર સંરક્ષણ આયોગના સદસ્ય કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, ભોગ બનનાર બાળકી દ્વારા જન્મેલુ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકાર ઉઠાવશે. જન્મેલા બાળકની હાલમાં ચાલી રહેલી સારવાર પૂરી થયા બાદ સરકાર દ્વારા ડીડ તૈયાર કરીને એડોપ્શનની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
70 વર્ષીય વૃદ્ધ આરોપી જેલ હવાલે
ઉલ્લેખનીય છે કે, આ જઘન્ય કૃત્ય 70 વર્ષના વૃદ્ધ આરોપી દ્વારા આચરવામાં આવ્યું હતું. આરોપીના ઘરે સગીરા ઘર કામ કરવા માટે જતી હતી, ત્યારે આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી વારંવાર બળજબરી કરી, ધાકધમકી આપીને સગીરાનું શારીરિક શોષણ કર્યું હતું. આખરે પેટમાં દુખાવો થતાં બાળકીને સોનાવલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

