દિવાળી પૂર્વે કાંકરિયા તળાવમાં બોટિંગ શરૂ; કડક સુરક્ષા નિયમો લાગુ, સુરક્ષા માટે રેસ્ક્યૂ બોટ અને વીમા કવચ, જુઓ ટિકિટ દર

અમદાવાદના ફરવાના સૌથી લોકપ્રિય સ્થળ કાંકરિયા તળાવમાં મંગળવાર (3 નવેમ્બર)થી ફરી વખત બોટિંગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સલામતીના પાસાને ધ્યાને લઈને 3 વર્ષથી નાના બાળકોને બોટમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. વડોદરાના હરણી તળાવના બનાવ બાદ જાન્યુઆરી-2024થી અહીં બોટિંગની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. ફરી વખત શરૂ કરાયેલા બોટિંગમાં અગાઉના જૂના દર પ્રમાણે રૂ.60થી 300 સુધીનો વ્યક્તિગત ચાર્જ યથાવત રહેશે.
સલામતીના તમામ પાસાઓનું કડક પાલન કરાવાશે
અમદાવાદના કાંકરિયા તળાવે વર્ષે 40થી 45 લાખ મુલાકાતીઓ આવે છે. તળાવની પાળે ઊભા કરવામાં આવેલા વિવિધ આકર્ષણોમાં બોટિંગ પણ એક મહત્વનું આકર્ષણ છે. પરંતુ વડોદરાના હરણીકાંડ બાદ લગભગ પોણા 3 વર્ષથી અહીં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોને ધ્યાને લઈને ૩ નવેમ્બરથી ફરી વખત બોટિંગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ અંગે વિગતો આપતા મ્યુનિ.ની સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે નિયત કરેલી સલામતીની તમામ માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગોવાની એજન્સી દ્વારા સલામતીના પાસાઓની ચકાસણી કરીને તેનું ક્લીયરન્સ આપ્યું છે.નકશા જુઓ
સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી બોટિંગની મજા માણી શકાશે
મુલાકાતીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરાશે નહીં. સરપ્રાઈઝ ચેકિંગમાં થોડી પણ ખામી દેખાશે તો ગમે ત્યારે એજન્સી સામે કડક પગલાં લેવાશે. અત્યારે તહેવારોને ધ્યાને લઈને નવી ટેન્ડર પ્રક્રિયા સહિતનો સમય ન હોવાથી જૂની એજન્સીને જૂના દર મુજબ જ જૂન-2027 સુધી કામ આપવામાં આવ્યું છે. બાદમાં નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ કાંકરિયા તળાવે બોટિંગની મજા માણી શકશે.
સલામતીની કડક માર્ગદર્શિકા
360 ડિગ્રી વ્યુઝ ગ્લાસ સાથે ઈમરજન્સી સેન્ટર
3 વર્ષથી નાના બાળકો પર પ્રતિબંધ
બોટની ક્ષમતા કરતા દોઢ ગણા લાઈફ જેકેટ
2 હાઈસ્પીડ રેસ્ક્યુ બોટની તેનાતી
વોકીટોકી સેટ્સનું કમ્યુનિકેશન
તળાવની પાળે ફરતે CCTV કેમેરા
કુશળ તરવૈયાઓ તેનાત કરાશે
રૂ.10 લાખનો વ્યક્તિગત વિમો
રૂ.2 કરોડનો ગ્રુપ વિમો
24 કલાક માટે એમ્બ્યુલન્સ
બોટિંગ માટેનો ચાર્જ
બોટ વ્યક્તિદીઠ
સ્પીડ બોટ રૂ.160
પોન્ટૂન બોટ રૂ.160
શિકારા રૂ.150
પેડલ બોટ રૂ.60
ફ્લોટિંગ કેફે રૂ.300
ટિકિટના 15 ટકા મ્યુનિ.ને મળશે
કાંકરિયા તળાવમાં બોટિંગ માટે આમ્રપાલી એજન્સીને 2004માં 20 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ મુજબ ટિકિટના 15 ટકા રકમ મ્યુનિ.ને મળશે. આ કોન્ટ્રાક્ટ 2024માં પૂર્ણ થઈ રહ્યો હતો. પરંતુ વચ્ચે કોરોનામાં બોટિંગ બંધ રહેતા, જે તે સમયે સ્થાયી સમિતિએ જૂન 2027 સુધી કોન્ટ્રાક્ટ લંબાવી આપ્યો હતો. જે મુજબ આ એજન્સીને યથાવત રાખવામાં આવી છે.











