ઉદયપુરથી ગાંજો લાવી અમદાવાદમાં વેચતા હતા ત્રણ મિત્રો, કૃષ્ણનગરમાંથી ₹1.89 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પોલીસે ગાંજા સાથે 3 વ્યક્તિને ઝડપી પાડ્યા છે. પ્રબુદ્ધ આશ્રમ કેનાલ ચાર રસ્તા અને આરોપીઓના ઘરે રેડ પાડીને રૂ.1.89 લાખની કિંમતના કુલ 54.180 ગ્રામ ગાંજો જપ્ત કરાયો છે. મુખ્ય આરોપી બંટી 10થી 15 દિવસ પહેલાં ઉદયપુરથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને આ ત્રણેય મિત્રો ભેગા મળીને ગાંજાની નાની પડીકીઓ બનાવી માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી આ નેટવર્ક અંગે વધુ સઘન તપાસ હાથ ધરી છે.
ગાંજાનું વેચાણ કરતો આરોપી ઝડપાયો
મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને મળેલી બાતમીના આધારે પ્રબુદ્ધ આશ્રમ કેનાલ ચાર રસ્તા ખાતે રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન સંદીપ વર્મા નામના આરોપીને પકડવામાં આવ્યો હતો. જેની પાસેથી હાઈબ્રિડ ગાંજાની પડીકી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ જથ્થો તેના મિત્ર પ્રદીપ રાજપૂત પાસેથી લાવ્યો હતો. તેથી તેને સાથે રાખીને પ્રદીપના ઘરે રેડ કરવામાં આવી હતી જ્યાં પણ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો.
ગાંજાની નાની નાની પડકી બનાવી માર્કેટમાં વેચાણ
આરોપી પ્રદીપની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો મિત્ર બંટી આ ગાંજો લાવ્યો હતો અને તેના ઘરે મૂકી ગયો હતો. આ લોકો તેની નાની નાની પડીકીઓ બનાવીને માર્કેટમાં વેચતા હતા. તેમની પાસેથી એક ઇલેક્ટ્રિક વજન કાંટો તેમજ કુલ 54.180 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો છે. જેની કિંમત 1,89,630 રૂપિયા થાય છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ઉદયપુરથી લાવ્યો હતો ગાંજો
આરોપી બંટી મીરચંદાની 10થી 15 દિવસ પહેલા ઉદયપુર ફરવા ગયો હતો ત્યારે ત્યાંથી તે આ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે છેલ્લા 7 માસથી આ ગાંજાનો બંધાણી હોવાથી પોતે પણ પીવે છે અને માર્કેટમાં નાની પડીકીઓ બનાવીને ધંધો પણ કરે છે તેમજ મિત્રને પણ આપતો હતો. આ ત્રણેય આરોપીઓની તપાસ કરતાં તેમની વિરુદ્ધ અગાઉ કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ થયેલો નથી. હવે આગળની તપાસમાં તેઓ ઉદયપુરમાંથી આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા. અગાઉ કેટલી વખત લાવ્યા છે અને અહીં સ્થાનિક કક્ષાએ કોને કોને આપતા હતા તેની તપાસ કરવામાં આવશે.












