પાટીદાર મંચ પરથી પરેશ ધાનાણીનો કટાક્ષ: 'નીતિન કાકા કરમાઈ ગયા ને અમે નવરા થઈ ગયા'

પાટીદાર મંચ પરથી પરેશ ધાનાણીનો કટાક્ષ: 'નીતિન કાકા કરમાઈ ગયા ને અમે નવરા થઈ ગયા'
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે મહેસાણા શહેરના સીમાડા પર આવેલાં નુગર નજીકના ચોર્યાસી સમાજ વિદ્યાસંકુલ ખાતે એસ.પી.જી. દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગી અગ્રણી પરેશ ધાનાણી, ગોપાલ ઈટાલિયા જેવા સમાજના આગેવાનો અને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કોઈનું પણ નામ લીધા વિના ધાનાણીનો રાજકીય પ્રહાર

આ પ્રસંગે રાજકોટ કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકીય અંદાજમાં કોઈનું પણ નામ લીધાં વગર અસ્સલ કાઠિયાવાડી લહેકામાં કહ્યું કે, 'સરદાર એ આપણા સૌના સ્વાભિમાનનું પ્રતિક છે અને સરદારના નામ ઉપર કોઈને પણ ડસ્ટર ફેરવી ભૂંસવાનું કામ કરવા ન દેતાં. દિલ્લીની ડેલીએ બાપનું નામ નહીં હોય તો ઠેકાણે પડી જાશું.'

જાહેરાત

પાટીદાર આંદોલનને યાદ કરી મંચ પરથી નીતિન પટેલને માર્યો માર્મિક ટોણો

પાટીદાર આંદોલનનાં સંસ્મરણો વાગોળતા પરેશ ધાનાણીએ મંચ પર હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફ માર્મિક ટોણો માર્યો હતો, જેને સાંભળીને સભામાં હાજર તમામ લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. પાટીદાર આંદોલનને વાગોળતા ધાનાણીએ કહ્યું કે, 'આયાં બેઠેલા બધાએ અમને ટોપિયું પહેરાવીને તમને ટોપિયું ફેરવાવીને જાજી ભાતનું કર્યું. જૂઓને નીતિન કાકા પણ કરમાઈ ગયા છે અને અમે બધા હવે નવરા થઈ ગયા છીએ. આ રાજકીય મંચ નથી, સમાજનો દીકરો છું અને મારા સમાજના મોભી છે બાપ. સરદાર સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી હતા. આ નીતિન કાકા પણ એવા જ છે હો, ડોળા બહુ કાઢે. આડું અવળું નો હાલે. સરદાર એટલે શિસ્ત, સરદાર એટલે શ્રમ.'

સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે: ધાનાણી

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું હતું કે, 'સમાજમાં કાંડાની તાકાતે લડે એવી પેઢી પેદા કરવી પડશે, એમાં હું પેદા થયો, હવે નવરો થયો, અમારી જવાબદારી બાપ બીતા નહીં, હું શીખી ગયો છું, કાનમાં પૂછજો. પણ સમૃદ્ધ વારસો જેને આપે ને એને સરદાર કહેવાય. આ કાકા છે ને અમારા વિધાનસભા ગૃહની અંદર મને જાહેરમાં કહેતા જરીક પણ ક્ષોભ નહીં થાય, એમાંથી અમે ઘણું બધું શીખ્યા છીએ, એ તો ગુરુ છે ગુરુ.'

ઉમા-ખોડલના વારસદારોને વડવાઓના પરિશ્રમની ચિંતા કરવા હાકલ

પરેશ ધાનાણીએ નીતિન પટેલને ટોણો મારતા કહ્યું કે, 'સરદાર કોઈના મોઢામાં સમાતા નહીં અને આજ સરદારના વારસો, જય સરદારના નારા લગાડીએ અને ક્યાંક સાચું બોલવાનું આવે તો મોઢું છુપાવીએ. નીતિન કાકા, માફ કરજો. ઉમા ખોડલના વારસો છીએ. ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ખોડલ કૃપા, ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે ઉમા કૃપા, ક્યાંક ઘરના દરવાજે લખ્યું હશે, આપણા માતાના અને પિતાના નામ એ ઘરના દરવાજે લખવા પાછળ બાપ મકાન બનાવવામાં વડવાઓને કેટલો પરિશ્રમ વેઠવો પડ્યો હશે, એ વિચારજો. એની ચિંતા કરજો.'

મારા માટે તાળીઓ ઓછી પડી! બોલો હવે મારે શું કરવાનું : નીતિન પટેલ

આ કાર્યક્રમમાં પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના માટે ઓછી તાળીઓ પડી હોવાની બાબતને લઈને ટકોર કરતા કહ્યું હતું કે, 'આજે આપણા ત્યાં મહેમાન તરીકે આવેલા આપણા મિત્ર, ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વર્ષો સુધી જાગૃત રહીને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપ્યું છે. એવા પરેશભાઈ ધાનાણી, ભાઈ ગોપાલભાઈ નવા-નવા ચૂંટાયા છે. તો ચારે બાજુ તમે બધા જુઓ મારા માટે તાળીઓ ઓછી પડી, પણ આ બે માટે વધારે પડી! બોલો હવે મારે શું કરવાનું?' નીતિન પટેલની આ વાતના લોકોએ પોતપોતાની રીતે અર્થ કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત