મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર બુટલેગરોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસ છાવરતી હોવાનો આરોપ

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર બુટલેગરોએ  કર્યો જીવલેણ હુમલો, પોલીસ છાવરતી હોવાનો આરોપ

 નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. નાંદોદ તાલુકાના મયાસી ગામમાં સભા પતાવી પરત ફરી રહેલા નિરંજન વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર 15થી 20 શખસોની ટોળકીએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો

મળતી માહિતી અનુસાર, નિરંજન વસાવા મયાસી ગામે જનસભા સંબોધીને કાર્યકર્તાઓ સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે અગાઉથી ટાંપીને બેઠેલા બૂટલેગરોના ટોળાએ તેમની ગાડીને ઘેરી લીધી હતી. 15થી 20 જણાની આ ટોળકીએ લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતા ગાડીને ભારે નુકસાન થયું છે. 

ઘટના બાદ નિરંજન વસાવા જ્યારે ફરિયાદ નોંધાવવા આમલેથા પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસે એક કલાક સુધી ફરિયાદ નોંધી ન હતી.

બૂટલેગરોએ નિરંજન વસાવા પર ચોથી વખત હુમલો કર્યો 

આપ નેતા નિરંજન વસાવાએ પોલીસ સામે સવાલ ઉઠાવ્યો હતો કે, 'શું તમે અમારી ફરિયાદ માત્ર કોરા કાગળ પર જ લો છો? નક્કર કાર્યવાહી કેમ થતી નથી?' આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે બૂટલેગરો દ્વારા તેમના પર આ ચોથી વખત હુમલો કરવામાં આવ્યો છે.

નિરંજન વસાવાનો સીધો આરોપ છે કે આ વિસ્તારમાં સક્રિય બૂટલેગરો તેમની લોકપ્રિયતા અને દારૂબંધી સામેના અવાજથી ડરીને તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. અગાઉ પણ ત્રણ વખત હુમલા થયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા ન હોવાથી બૂટલેગરોની હિંમત વધી રહી છે.

પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હંગામો

મોડી રાત્રે આમલેથા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં AAP કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ભારે હોબાળા બાદ આખરે પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચાર શેર કરો