છોટાઉદેપુરના BJP દિગ્ગજ નેતા મુકેશ પટેલનું નિધન, તિરંગા યાત્રા દરમિયાન આવ્યો હતો હાર્ટએટેક
છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને APMCના ચેરમેન મુકેશ પટેલનું બુધવારે હાર્ટ એટે

છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને APMCના ચેરમેન મુકેશ પટેલનું બુધવારે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે નગરમાં આયોજિત તિરંગા યાત્રાના સમાપન સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી છે.
શું બની હતી ઘટના?
સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરના ઝંડા ચોકથી ઘેલવાંટ સુધી 6 કિલોમીટરની તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ એવા મુકેશ પટેલ પણ આ પદયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા.
સારવાર દરમિયાન મોત
યાત્રા ઘેલવાંટ ખાતે પૂર્ણ થઈ તે સમયે જ મુકેશ પટેલની તબિયત અચાનક લથડી હતી. તેમને તાત્કાલિક છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક તારણ મુજબ, મુકેશ પટેલને હાઈ ડાયાબિટીસ હતું અને પદયાત્રામાં વધુ પડતું ચાલવાને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.
કોણ હતા મુકેશ પટેલ?
મુકેશ પટેલ છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં એક મોટું નામ હતું. તેઓ હાલમાં APMCના ચેરમેન તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભૂતકાળમાં જિલ્લા મહામંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા હતા અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ પણ હતા.
નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા
મુકેશ પટેલના નિધનના સમાચાર મળતા જ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમના અચાનક અવસાનથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.








