ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ વધતા અમરેલી જિલ્લાના ભાજપ ધારાસભ્યોની ઉંઘ ઉડી, વનમંત્રીને કરી આ રજૂઆત
Gir Eco Sensitive Zone : ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો વિ

Gir Eco Sensitive Zone : ગીર ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ વધતા અમરેલી જિલ્લાના 3 ભાજપ ધારાસભ્યોની ઉંઘ ઉડી ગઈ છે. ભારે વિરોધ બાદ અમરેલીના ધારાસભ્ય અન વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આજે ગાંધીનગરમાં રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરા સાથે મુલાકાત કરી હતી અને ગીર ઇકો સેન્સેટિવ ઝોન વિશે ખેડૂતોને સમજાય તેવી સરળ ભાષામાં સ્પષ્ટતા કરવા વનતંત્રને ખાસ અનુરોધ કર્યો છે.
ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેવી રજૂઆતો કરી
અમરેલી જિલ્લાના આ 3 ભાજપ ધારાસભ્યોએ વનમંત્રી મુળુભાઇ બેરા સમક્ષ ગીર ઇકો સેન્સેટિવ ઝોનના કાયદામાં ગામડાઓમાં ખેડૂતોમાં ઊભી થયેલી વિસંગતા અંગે સરકાર દ્વારા સિંહો બચવવના અભિગમ સાથે ખેડૂતોને મુશ્કેલીઓ ના પડે અને ખેડૂતોને ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાથી નુકશાની થવાની ઊભી થયેલી દહેશત અંગે વનમંત્રી સમક્ષ ખેડૂત હિતમાં રજૂઆતો કરીને તાકીદે ખેડૂતોની મુશ્કેલીઓનું નિવારણ આવે તેવી રજૂઆતો કરી હતી.
વનમંત્રીએ સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું
અમરેલી જિલ્લાના આ 3 ભાજપ ધારાસભ્યોની રજૂઆત અંગે વનમંત્રી મુળુભાઇ બેરાએ વનવિભાગના ઉચ્ચ અધિકારી નિત્યાનંદ શ્રીવાસ્તવ સાથે ધારી DCF રાજદીપસિંહ ઝાલા સાથે પરામર્શ બેઠક યોજી હતી. ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાઓમાં સુધારા લાવવા અંગેની ધારાસભ્યોની રજૂઆતોનો નિરાકરણ લાવવાની તંત્રના અધિકારીઓ સાથે વનમંત્રીએ ધરપત આપી હતી.
ગીર ઇકો સેન્સેટિવ ઝોનમાં 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ
નવીન ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્ત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો, ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.








