'ઇડરમાં વિસાવદરવાળી થશે, તૈયારી શરૂ કરો', ભાજપના જ ધારાસભ્યએ લોકોને ભડકાવ્યા!
ગુજરાતમાં વાવ-થરાદ જિલ્લાની સાથે નવા 17 તાલુકા બનાવવામાં આવ્યા છે. સાબરકાંઠામાં જાદર તાલુકાની માંગ વર્ષોથી

ગુજરાતમાં વાવ-થરાદ જિલ્લાની સાથે નવા 17 તાલુકા બનાવવામાં આવ્યા છે. સાબરકાંઠામાં જાદર તાલુકાની માંગ વર્ષોથી કરવામાં આવતી હતી પણ જાદરને તાલુકો બનાવવામાં ના આવતા લોકો નારાજ થયા છે. ઇડરના ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરો સહિત સ્થાનિકોના વિરોધ સામે જાદરના ભાજપના ગ્રુપમાં મેસેજ કર્યા હતા.
ઇડરમાં વિસાવદરવાળી થશે, તૈયારી શરૂ કરો-રમણલાલ વોરા
ઇડરમાંથી જાદરને તાલુકો જાહેર ના કરવામાં આવતા ધારાસભ્ય રમણલાલ વોરાએ જાદર ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યા હતા. રમણલાલ વોરાએ લખ્યુ, ઇડરમાં વિસાવદરવાળી થશે, તૈયારીઓ શરૂ કરો. છેલ્લા કેટલાક સમયથી ઇડરમાંથી જાદરને તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. જાદર સહિત આસપાસના ગામોના અગ્રણીઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી. તાજેતરમાં સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે.
રમણલાલ વોરાની વોટ્સએપ ચેટ વાયરલ
જાદર તાલુકાની રચના ન થતાં ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ જાદરના ભાજપાન વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યા છે. રમણલાલ વોરાએ કહ્યું કે, 'તમે તૈયારી શરૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઇડરમાં વિસાવદરવાળી કરવી પડશે.'રમણલાલ વોરાએ કહ્યું કે, સરકારે કરવું હોત તો ત્રણ વર્ષમાં કરી દીધો હોત., 'ઇડરવાળા તાલુકો નહીં થવા દે,વિસાવદરવાળી કરવાનું છે તૈયારી ચાલુ કરો ભાઇઓ.'
આ સાથે જ રમણલાલ વોરાએ સંગઠન સાથે હોય તો ધારદાર રજૂઆત નથી કરતું કે કોઇ ઉપજતું નથી. આ સાથે જ રમણલાલ વોરાએ જાદર તાલુકા ભાજપના કાર્યકર્તાઓને રજૂઆત કરી હતી કે, બધા વડીલો અને યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે કે હાલ આપણે બધાને એક જ મુદ્દો છે જાદર તાલુકાનો એમાં હાલ આપણા હક્કની વાત છે એટલે તાલુકા સિવાય વાત ના કરો બીજેપી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત ના કરો. મહેરબાની કરીને તાલુકો ના થાય પછી પક્ષની વાત આવે છે હાલ કોઇપણ પક્ષની વાત કરીને કોઇ જ પ્રકારનો ફાયદો નથી.'
જાદરને તાલુકો બનાવવામાં ના આવતા વિવાદ
જાદર વિસ્તારના લોકો ઘણા વર્ષોથી ઇડર તાલુકામાંથી અલગ થઇને સ્વતંત્ર તાલુકો બનાવવાની માગ કરી રહ્યા છે.નવા તાલુકાઓની યાદીમાં જાદરને સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી વ્યાપી છે. આને લઈને આંદોલનો અને વિરોધ પ્રદર્શનો થયા છે.








