Valsad: ભાજપના જ નેતાઓએ ખાડાઓ વચ્ચે બેસી વિરોધ કર્યો
વલસાડના કલેક્ટર અને સાંસદનું હાઈવે ઓથોરિટી સામે કંઈ ઉપજતું નથી તેવું સ્વીકારી ભાજપના જ વલસાડ જિલ્

વલસાડના કલેક્ટર અને સાંસદનું હાઈવે ઓથોરિટી સામે કંઈ ઉપજતું નથી તેવું સ્વીકારી ભાજપના જ વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે નેશનલ હાઈવે નં.848 પરના અસંખ્ય ખાડાઓથી ત્રસ્ત બની ખાડાઓ વચ્ચે બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કલેક્ટરની 10 દિવસમાં ખાડાઓ પૂરવાની કહેવાતી સુચનાની પોલ ખુલી ગઈ છે.
કલેક્ટરની 10 દિવસમાં ખાડા પુરવાની સુચનાની પોલ ખુલી: નેતાઓએ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં ત્રણેય હાઈવેના રસ્તાઓ પર એટલાં બધાં ખાડાઓ પડી ગયાં છે કે લોકો સોશિયલ મીડિયામાં ખાડાઓની જગ્યાએ રસ્તો ક્યાં છે તે શોધવાનું જણાવી ભાજપી સાંસદ, ધારાસભ્યો અને નેતાઓની ઠેકડી ઉડાવી રહ્યા છે. દરમિયાન વલસાડ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ મનહરભાઈ પટેલ મંગળવારે કપરાડા ગયા હતા પણ રસ્તામાં એટલા બધા મોટા ખાડાઓ હતા કે તેમાંથી મોટી ગાડીને પણ પસાર થવામાં તકલીફ પડી હતી. કપરાડા ખાતે હાજર તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા અને ભાજપી કાર્યકરોએ રસ્તા બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેથી જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે મોટાં ઉપાડે હાઈવે ઓથોરિટીના મહિલા ઓએફને ફોન લગાવ્યો હતો પરંતુ સામેથી એકદમ ઉડાઉ જવાબ મળતાં તેમનો પિત્તો ગયો હતો અને ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરો સાથે હાઈવે ઉપર રસ્તા વચ્ચે ખાડાઓમાં જ બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો.
અગાઉ કલેક્ટર ભવ્ય વર્માએ હાઈવે ઓથોરિટીને નોટિસ આપી 10 દિવસમાં હાઈવેના તમામ રસ્તાનાં ખાડાઓ પુરાવાની સુચના આપી હતી. હવે 10નાં બમણાં દિવસો થવા છતાં રસ્તાઓની હાલત પહેલાં કરતાં વધારે બદતર થઈ છે. ત્યારે હવે ભાજપનાં જ જિ.પં.ના પ્રમુખ અને કપરાડા તા.પં.ના પ્રમુખે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીની નિષ્ફળતા સ્વીકારી તેમની જ ભાજપ સરકાર સામે હાઈવે પર ખાડાઓ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કરતાં ભાજપ સરકારની એક વધુ નિષ્ફળતા સામે આવી છે.
અધિકારીઓ કોઈનું સાંભળતા નથી: જિ.પં.પ્રમુખ મનહર પટેલ
વલસાડ જિ.પં.પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને ખાડાઓ પૂરી રસ્તાઓ વ્યવસ્થિત કરવાં સૂચનાઓ આપી હતી તેમ છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈનું સાંભળતા જ નથી.
હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ફોન ઉંચકતા નથી: હીરાબેન મહાલા
કપરાડા તા.પં.પ્રમુખ હીરાબેન પી મહાલાએ ભારે રોષપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડી જતાં હાલત ખરાબ થઈ છે. આ અંગે વારંવાર રજુઆતો છતાં મરામત થઈ નથી. ઘણાં અકસ્માતો થઈ રહ્યાં છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે, હાઈવે ઓથોરિટીના અધિકારીને ફોન કરે છે તો તેઓ પણ ઉચકતા નથી. આજે પણ બે વખત ફોન કર્યો હતો પરંતુ ફોન લીધો નથી.








