11 તોલા સોનાનું મોબાઈલ કવર, એજન્ટોને મર્સિડીસ-આઈફોનની ગિફ્ટ!, 6000 કરોડના BZ કૌભાંડથી લઈને કાર્યવાહી સુધીનો રિપોર્ટ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
BZ કૌભાંડ મામલે CIDએ આપી જાણકારી
રાજકુમાર પાંડિયન ADGP CID ક્રાઇમેં પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી કે, “BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ પર મંગળવારે CID દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ છે. 1 મહિનાથી BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસની અલગ અલગ ઓફિસો પર સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. BZ GROUP સંચાલિત BZ ફાયનાન્સિયલ સર્વિસ અનઅધિકૃત સંસ્થા છે જેમાં મહિના 3 ટકાથી લઇને વર્ષે 33 ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપતા હતા. રેડ દરમિયાન રૂ.175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમ માટે શિક્ષક અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDને રેડ દરમિયાન 16.37 લાખ રોકડા, એગ્રીમેન્ટ અને 34 ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જે મામલે ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ છે. અનંત દરજી નામનો એક એજન્ટ પકડાયો છે. 5 જેટલા લોકો તથા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા એજન્ટને 5 થી 25 ટકા કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડ 6 હજાર કરોડથી ઓછું કે વધુ રકમનું પણ હોય શકે છે.”
સીઆઈડી ક્રાઈમને મળી હતી અરજી
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે સીઆઈડી ક્રાઇમે BZ GROUP પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઈનાન્સિયલ કંપનીમાં ત્રણ વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઉંચા વ્યાજની ઓફર આપી હતી. આ માટે તેણે તલોદના રણાસણ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, માલપુર, ગાંધીનગર, વડોદરા તેમજ રાજસ્થાનમાં ઓફિસ શરૂ કરીને એજન્ટોની મદદથી છ હજાર કરોડની રકમનું કૌભાંડ આચર્યું હતું. જે કેસની તપાસના અનુસંધાનમાં મંગળવારે સીઆઈડી ક્રાઈમે સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં સામુહિક દરોડા પાડીને કોમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. સાથેસાથે બે બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. જોકે પોલીસ દરોડા પાડે તે પહેલા જ આ કૌભાંડનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ફરાર થઈ ગયો હતો. સીઆઇડી ક્રાઈમે આશંકા સેવી છે કે BZ GROUP દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ભૂપેન્દ્ર ઝાલા ફરાર
જોકે પોલીસ દરોડા પાડે તે પહેલાં જ પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા બી-ઝેડ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો હતો. આ મામલે હાલ કંઈપણ કહેવા અંગે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે. પરંતુ, આ કૌભાંડની તપાસમાં મસમોટા અને ચોંકાવનારા નામ સામે આવે તેવી સંભાવના છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.
7 આરોપીઓની ધરપકડ
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે CID ક્રાઈમે પકડેલા 7 આરોપીઓને કરી છે. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CID ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજી અને અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓ વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’
ભુપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપના નેતાઓના ચાર હાથ - કોંગ્રેસ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલે બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા આચરવામાં આવેલ કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપના નેતાઓના ચાર હાથ છે. ધારાસભ્ય અને મંત્રીઓ બીઝેડ સીઈઓ ભુપેન્દ્રસિંહનું માર્કેટિંગ કરે છે. લોકોના કરોડો રૂપિયા છાવરી લેનારની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’
મોજશોખનો વીડિયો વાયરલ
બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાના મોજ-શોખનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા મોંઘા ફોન જ નહીં પણ તેના કવર પણ મોંઘાદાટ રાખતો હતો. બીઝેડ લખેલા સોનાના ફોન કવર ખાસ ઓડરથી તૈયાર કરાવ્યા હતા. તેણે 5થી 11 લાખ રુપિયા સુધીના સોનાના કવર તૈયાર કરાવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલા ફોન કરતા મોબાઈલ કવર મોંઘા હોવાનો રૌફ મારતો હતો. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એજન્ટોને આપતો હતો મોંઘીદાટ ગિફ્ટ
Bz ગ્રુપમાં શિક્ષકો એજન્ટ હોવાની વાતો વચ્ચે એક શિક્ષકના સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો હતો. માલપુર તાલુકાના કલ્પેશ ખાંટના ફોટા સોશિયલ મીડિયામા ફરતા થયા હતા.
માલપુર તાલુકાના કોઠીયા ગામે જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે તેનું ઘર બંધ હાલતમાં હતું. Bzમાં રોકાણ કર્યા બાદ મળેલી ગિફ્ટ સાથે ફોટા સામે આવ્યા હતા. કલ્પેશ ખાંટ મયુર દરજીના સાથે જ ફરતો હતો.
BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા તરફથી એજન્ટોને મળેલ ગિફ્ટ
મુખ્ય એજન્ટ મયુર દરજીનો વધુ એક વીડિયો વાયરલ
BZ ગ્રુપના માલપુરના મુખ્ય ઠગ એજન્ટ મયુર દરજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. લોકોના રૂપિયે માલદિવ્સમા નાચતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. મયુર દરજી સાથે અન્ય એજન્ટો પણ નાચી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે, BZ કંપનીના કૌભાંડ સામે આવ્યા બાદ CID ક્રાઈમે માલપુરના મયુર દરજી નામના શખ્સની ધરપકડ બાદ તેના પરિવારના સભ્યો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અરવલ્લી જિલ્લામાં BZના એજન્ટ મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ, રહેણાંક ઘર અને નવીન બનતા અદ્યતન મકાન બંધ હાલતમાં જોવા મળ્યા છે. હાલ મયુર દરજી નામના એજન્ટે નવા બંગલાનું કામ પણ હાથ ધર્યું હતું.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હિંમતનગરની કોલેજ
BZ ગ્રુપમાં રોકાણકારોને ત્રણેક વર્ષમાં જ એકના ડબલની સ્કીમમાં ઉતારનાર ભૂપેન્દ્ર ઝાલાએ થોડા સમય પહેલા જ હિંમતનગરની ગ્રોમોર કોલેજ ખરીદી અને તેનું નામ બદલીને BZ Global Education Campus કરી દીધું. આ કોલેજ ખરીદવા માટે અંદાજિત 82 કરોડ રૂપિયાથી વધુમાં ડિલ થઇ હોવાનું અનુમાન છે. જે અંગે પણ તપાસ ચાલી રહી છે. ગ્રોમોર કેમ્પસમાં અગાઉ સીઆઇડી ક્રાઈમનું સર્ચ ચાલ્યું હતું. સર્ચ બાદ દસ્તાવેજ સહિત મહત્ત્વના દસ્તાવેજોને સીઆઇડીએ જપ્ત કર્યા. ગ્રોમોરના સ્ટાફને સાથે રાખી સર્ચ હાથ ધરાયુ હતું. એવી પણ માહિતી સામે આવી છે કે કોલેજના મૂળ માલિકોને નજીવી રકમ ચૂકવી ઝાલા દ્વારા હાથ અધ્ધર કરી દેવાયા હતા. નજીવી રકમ બાદ નાણાં નહિ મળતા મૂળ માલિકોએ કેમ્પસ પર પરત કબજો કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાંથી મળી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો
અરવલ્લીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જગ્યા મળી આવી છે. મળતી માહિતી પ્રમાણે મોડાસાના સજાપુર ગામના સીમાડામાં બે હેક્ટર જમીન ખરીદી હોવાનું સામે આવ્યું છે. 10 વીઘા જમીન કરોડોમાં ખરીદી વર્ષ 2023માં ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે દસ્તાવેજ થયો છે. તલાટીના જણાવ્યા પ્રમાણે, ખાતા નંબર 378માં સર્વે નંબર 182,183માં જમીન રાખવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ પણ GSTVની તપાસમાં અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી ચૂકી છે. જેમાં એક બિનખેતી જમીન અને એક આલીશાન ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે.
BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાનું આલીશાન ફાર્મહાઉસ
મોડાસાના લીંભોઈ ગામ પાસે અંદાજીત 3 કરોડ કિંમતનું આલીશાન ફાર્મહાઉસ મળી આવ્યું હતું. આ ફાર્મ હાઉસ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે નોંધાયેલ છે. આલીશાન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મોટા મોટા બેડ રૂમ અને મોંઘુદાટ ફર્નિચર જોવા મળે છે.
ભુપેન્દ્ર ઝાલાએ સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નં 382ની જમીન ખરીદી હતી. આ જમીન 13485 ચોમી છે, જેને ખરીદી તાત્કાલિક એનએ કરાવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી છે.
BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાની મોંઘીદાટ ગાડીઓ
ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલ ઓસ્ટ્રેલિયામાં?
ભુપેન્દ્ર ઝાલાના કૌભાંડ બાદ CID ક્રાઇમ તેના મળતીયાઓને શોધી રહી છે. જેમાં એકનામ ધવલ પટેલનું પણ છે. ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની હિંમતનગરમાં પેથોલોજી લેબ ચાલી રહ્યો છે. હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક ધવલ પટેલ છે. ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના PR વિઝા ધરાવે છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ધવલ પટેલ ગુજરાતના ડોક્ટરોનું બીઝેડમાં રોકાણ કરાવતો હતો. તેને અંદાજે 200 થી 250 કરોડનું રોકાણ કરાવ્યું છે.
કાર ગિફ્ટ મેળવનાર એજન્ટો ગાયબ, રોકાણકારોનું મૌન
BZ કંપનીમાં મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો હાલ ગાયબ છે. પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ-સંચાલકો પણ ગાયબ છે. એકાએક એજન્ટો ગાયબ થતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ સુધી મૌન છે. સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો મૌન હોવાનું માનવામાં આવી રહ્યું છે. BZ કંપનીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તથા ડોક્ટરો મોટા રોકાણકારો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું નામ જાહેર થવાના ડરે ચૂપ છે. તેમને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી પહોંચી જશે તો ઈન્વેસ્ટ કરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો પણ હિસાબ આપવો પડશે.
આશિક ભરથરી BZ ગ્રુપમાં 8 હજારમાં નોકરી કરતો હતો
સાબરકાંઠામાં BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો પર કામ કરતા માણસો અને એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલાના ત્યાં CID ક્રાઈમના દરોડા બાદ 7 લોકોની ધરપકડ થઇ છે. ઝડપાયેલા 7 આરોપી પૈકી એક આરોપી હિંમતનગરના મહેતાપુરા વિસ્તારનો રહેવાસી છે. આરોપી આશિક BZ ગ્રુપની ઓફિસમાં નોકરી કરતો હતો. આશિક ભરથરી BZ ગ્રુપમાં 8 હજારમાં નોકરી કરતો હતો. આશિક ભરથરીની અટકાયત બાદ ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ચિંતિત બન્યો છે. ભરથરી પરીવારના દીકરા સામે CID ક્રાઈમની ટીમે કાર્યવાહી કરતા ખડભળાટ મચી ગયો છે.હજુ પણ સાબરકાંઠા અરવલ્લી સહિત રાજસ્થાન વિસ્તારના કેટલાક એજન્ટો ભૂગર્ભમાં છે.
સંજય પરમાર BZ ગ્રુપમાં 10 હજારમાં નોકરી કરતો હતો
CID ક્રાઇમ દ્વારા BZ ગ્રુપની ઓફિસે કામ કરતા એક મુખ્ય એજન્ટ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક આરોપીનું નામ સંજય પરમાર છે, જે માત્ર 10 હજાર પગારમાં નોકરી કરતો હતો. સંજય પરમાર હિંમતનગરના ગામડી ગામનો રહેવાસી છે. સંજય BZ ગ્રુપની વેપાર ભવન ઓફિસમાં નોકરી કરતો હતો જ્યાં તેને 10 હજાર પગાર આપવામાં આવતો હતો. સંજય પરમારનો પરિવાર પશુપાલન તેમજ ખેતી કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. હાલ સંજય પરમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
શિક્ષકોની સંડોવણી સામે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી
ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’
શિક્ષકોનું સૌથી વધુ રોકાણ
સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓ સામેલ છે જેમાં શિક્ષકોની સંખ્યા વધારે છે. બચત મંડળીઓમાંથી શિક્ષકો 1 થી 10 લાખ જેટલા રૂપિયા ઓછા વ્યાજે ઉપાડી વધુ વળતર મેળવવા માટે BZ ગ્રુપમાં પોતાની પત્ની અને સગાસંબંધીઓના નામે રોકાણ કરતા હતા. જેને લઈને પણ આવનાર સમયમાં મોટા ખુલાસા થઇ શકે છે.
BZ કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
જો કે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ‘BZ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે. BZ પ્રકરણના શિક્ષકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કીમમાં કોઈ શિક્ષણ જોડાયેલ હશે તો તેમને છોડવામાં નહીં આવે. શિક્ષક એન્જટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરશે. પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે.’
પ્રાંતિજમાં BZ ગ્રુપ સામે નોંધાઇ ફરિયાદ
પ્રાંતિજના સુરેશભાઇ નામના વ્યક્તિએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. હવે ધીમે ધીમે પીડિત BZ ગ્રુપ સામે ફરિયાદ નોંધાવવા માટે બહાર આવ્યા છે. સુરેશભાઇ એગ્રીમેન્ટની કોપી સાથે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા. સુરેશભાઇએ BZ ગ્રુપમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સુરેશભાઇ વણકર નામના વ્યક્તિએ પ્રાંતિજ ઓફિસમાં BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું. પૈસા રોકાયા બાદ જુદા જુદા એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા. એજન્ટ નીકેશ પટેલ હતા તેમના દ્વારા રોકાણ કરવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવતી હતી. BZ ગ્રુપના એજન્ટ 20 લાખ આસપાસનું રોકાણ કરો તો માલદીવ્સની ફ્રી ટ્રીપ, 10 લાખના રોકાણમાં ગોવાની ટ્રીપ અને પોતે 10 લાખનું રોકાણ કરે તો આઇફોન ગિફ્ટ આપવા જેવી લાલચ આપવામાં આવતી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભા 2024ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી હતી. તેણે ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા દર્શાવ્યા હતા જેમાં ITમાં રિટર્નમાં માત્ર અંદાજિત 18 લાખની આવક દર્શાવી હતી. તેણે વર્ષ 2018-19માં માત્ર અંદાજિત 5 લાખની આવક અને 2021-22માં અંદાજિત રૂ.10 લાખની આવક દર્શાવી હતી.
મોટા નેતાઓ, સેલિબ્રિટીઓને મળતો અને મોંઘીદાટ ગાડીઓનો શોખીન ભૂપેન્દ્રસિંહ ઝાલા
ભાજપના મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે. પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય છે અને મોટા-મોટા નેતાઓ સાથેનાં તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેણે પોર્સ, મર્સીડીઝ, ઓડી જેવી મોંઘીદાટ ગાડીઓ પણ વસાવી છે જેની ખરીદીના ફોટા તથા વીડિયો તે સોશિયલ મીડિયામાં મૂકીને લોકોને રોકાણ માટે આકર્ષતો હતો.
ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટોના મોજશોખના વીડિયો વાયરલ
6000 કરોડનું ફૂકેલું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોના મોજશોખના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભુપેન્દ્રસિંહ અને તેના એજન્ટો રૂપિયાની કોઈ પણ પરવા કર્યા વગર બેફામ રીતે મોજશોખ કરતા. ક્યારેક ડાયરાઓમાં નોટોના બંડાલો ઉડાવતા તો એજન્ટો વિદેશ ટુરમાં મોંઘી મોંઘી જગ્યાએ ફરતા હતા.
ભાજપના નેતાઓ અને તેમના પુત્રો સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સબંધ
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના તાર કપડવંજની એક સંસ્થા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થા BZ ગ્રુપ સાથે જોડાયેલી છે. મૈત્રીના ખજાનચી અને કાવઠ ગામના રહેવાસી અનિલ રોહિતે જણાવ્યું કે, ‘મૈત્રી સંસ્થા BZ ગ્રુપ સાથે મળી ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે. અનિલભાઈ રોહિત સાથે મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર અને અરવલ્લી ભાજપ યુવા મોરચાના નેતા અમિષ નગીનભાઈ પટેલ પણ ટ્રસ્ટમાં જોડાયેલા છે.’
ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 2018માં નોંધાઈ હતી ફરિયાદ
ભુપેન્દ્રસિંહ ઝાલાનો ગુનાહિત ઇતિહાસની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. 2018માં ક્રાઈમ બ્રાન્ચમાં તેના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. 17/11/2018ના રોજ અમદાવાદ નરોડા પાસે આવેલા નિકોલ ગામ પાસે પોલીસે બાતમીને આધારે ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને નિકોલ પાસે 1 પીસ્ટલ 6 જીવતા કારતૂસ સાથે રંગે હાથે ઝડપ્યો હતો. દરમિયાન પાંચ લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદ પોલીસને ભુપેન્દ્રસિંહ ઝાલાને પૂછપરછમાં રફીક ઉર્ફે મુંડિયા નામના શખ્સે હથિયાર આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રફીક નામના શખ્સનું નામ આવતા તે ફરાર થઇ ગયો હતો.

