રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 25 ગુનાનો આરોપી ફરાર, મેડિકલ ચેકઅપ બાદ પોલીસને થાપ આપી ભાગ્યો

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવેલો આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. અજય પરસોંડા નામનો આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ તેને પોલીસ વાનમાં બેસાડવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન તે પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.
ફરાર આરોપી સામે 25 ગુના
મળતી માહિતી મુજબ, અજય પરસોંડા વિરુદ્ધ લૂંટ, ચીલઝડપ અને આર્મ્સ એક્ટ સહિતના આશરે 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અગાઉ પણ અનેક વખત પોલીસને થાપ આપીને ફરાર થઈ ચૂક્યો છે. વર્ષ 2018માં તે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી પણ ફરાર થયો હતો. આમ, ફરી એકવાર આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી જતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, આ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હોસ્પિટલ જેવા જાહેર સ્થળેથી પોલીસ જાપ્તામાં રહેલો આરોપી ફરાર થતાં પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.












