VADODARA : ભાયલી સામુહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
Bhayali Gang Rape Case : વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ

Bhayali Gang Rape Case : વડોદરાના ભાયલીના સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓના રિમાન્ડ પૂરા થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. કેસને લગતી વધુ માહિતી મેળવવા અને પૂછપરછ માટે પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીઓના વધુ ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. બીજી તરફ આરોપીઓ પર ઈન્ક એટેક થવાની બાતમીના આધારે પોલીસે આરોપીને વેનની બહાર કઢ્યા નહોતા.
આરોપીઓ પર ઈન્ક અટેક થવાની હતી બાતમી
આરોપીઓને પહેલીવાર જ્યારે રિમાન્ડ માટે રજૂ કરાયા ત્યારે કોર્ટમાં તેમના પર ટપલીદાવ થયો હતો. જ્યારે આજે પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ પર વકીલો સહી નાખીને વિરોધ કરશે. જેને લઈને પોલીસે આરોપીને કોર્ટ પરિસરમાં વેનમાં જ પૂરી રાખીને રિમાન્ડ મેળવી સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર રહેશે
ભાયલી સામૂહિક દુષ્કર્મના આરોપીઓના રિમાન્ડ આજે પૂરા થતા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવાયા છે. જેમાં આરોપીઓ આગામી 14 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલાયા છે. પોલીસ દ્વારા વધુ તપાસ અને પુરાવા એકઠા કરવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. તેવામાં કોર્ટ દ્વારા આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
રિમાન્ડના કારણોમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ તપાસ દરમિયાન પોલીસને સતત ગોળગોળ ફેરવી રહ્યા છે. તપાસમાં પૂરતો સહયોગ ન આપતા હોવાથી વધુ રિમાન્ડની માંગ કરાઈ હતી.
આગાઉના બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસની કામગીરી
1) આરોપીઓની મેડિકલના નમુના લેવડાવવામાં આવ્યાં તથા શારીરીક તપાસણી કરાવવામાં આવી છે, જેમાં રાત્રીના 12 સુધીનો સમય પસાર થઇ ગયો હતો.
2) આરોપીઓએ બનાવ સમયે પહેરેલા કપડા કબજે કરવામાં આવ્યાં છે, જેમાં રાત્રીના 5થી 6 વાગ્યા હતા.
3) આરોપીઓ પૈકી મુન્ના અબ્બાસ લાલા બનજારાનુ સીમેનનુ સેમ્પલ લેવાનું બાકી હોવાથી તા. 9 ઓકટબોરના રોજ લેવામાં આવ્યું હતુ.
4) આરોપીઓએ ભોગબનનારનો મોબાઇલ ફોન વડસર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાથી ફોન મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કરવામાં સમય વ્યતીત થયો હતો.
5) આરોપીઓએ ગુનો કર્યો તે બાબતનું રિક્ન્સ્ટ્રક્શન કરવા સાંજે પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો સમય વિતી ગયો હતો.
6) આરોપીઓને ગુના અંગે વિશેષ પુછપરછ કરવામાં આવી છે. પરંતુ આરોપીઓ ઘણા રીઢા તથા બનાવ સમયની ઘણી વિગતો છુપાવી રહ્યાં હોવાનુ જણાય છે.
7) આરોપીઓની પુછપરછ દરમિયાન પીડિતાના ફોનનું સીમકાર્ડ છાણી બાજુ નાખી દીધું હોવાનુ જણાવે છે, જેથી તે દિશામાં તપાસ કરવાની બાકી છે.
8) આરોપીઓની ફક્ત પુછપરછ થઇ શકી છે, પરંતુ ઊંડાણપૂર્વક વિગતવારની પુછપરછ તપાસના કામે થઇ શકી નથી.
વધુ 4 દિવસના રિમાન્ડ મેળવી પોલીસ શું તપાસ કરશે ?
1) વિશ્વામિત્રી નદીમાં ફેંકેલો પીડિતાનો મોબાઇલ કબજે કરવાની કામગીરી
2) પીડિતાના મોબાઇલનું સીમકાર્ડ છાણી રામાકાકા ડેરી નજીક ખુલ્લામાં ફેંકી દીધુ હોવાથી રિકવર કરવાનું છે.
3) સૈફઅલી પાસેથી રિકવર કરવામાં આવેલી બાઇકના કોઇ કાગળો નથી, જેથી બાઇક ચોરીની છે કે કેમ તેની વિગતવાર તપાસ કરવાની છે.
4) આરોપીઓ દ્વારા અગાઉ કોઇ ગુનાહીત કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવાની છે.
5) આરોપીઓ ગુનો આચર્યા બાદ ક્યાં આશ્રય લીધો અને કોણે મદદ કરી હતી તેની વિગતવાર તપાસ.
6) આ ગુનામાં અન્ય કોઇ આરોપીઓની સંડોવણી છે કે કેમ?
7) ગુનો આચર્યા બાદ આરોપીઓ કોના-કોના સંપર્કમાં આવ્યાં, તેઓના મોબાઇલના કોલ ડિટેલની તપાસ.








