મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરના મહુવામાંથી ઝડપાયું દરિયાનું 'તરતું સોનું'! કિંમત 12 કરોડથી પણ વધારે

ભાવનગર: મહુવા પોલીસની ટીમ દ્વારા ખૂબ જ કીમતી એવું વ્હેલ માછલીની ઉલટી જેને એમ્બરગ્રીસ તરીકે

ભાવનગરના મહુવામાંથી ઝડપાયું દરિયાનું 'તરતું સોનું'! કિંમત 12 કરોડથી પણ વધારે

ભાવનગર: મહુવા પોલીસની ટીમ દ્વારા ખૂબ જ કીમતી એવું વ્હેલ માછલીની ઉલટી જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામા આવે છે. તેવા 12 કરોડના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લીધા છે. મળતી વિગતો અનુસાર મહુવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખૂબજ કીમતી ગણાતા એમ્બરગ્રીસ જેને વ્હેલ માછલીની ઉલટી (સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે) તેને છુપાવીને રાખવામાં આવ્યો છે. આ જથ્થો મહુવા ભવાનીનગર વિસ્તારમાં આવેલી શ્રી ચામુંડા ડ્રાઈવર્કસ નામના કારખાનામાં છુપાવી રાખ્યો હોવાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં જઈને તપાસ કરતા 12 કિલો જેટલો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 12 કરોડ રૂપિયા કહેવામા આવી રહી છે. મુદ્દામાલ સાથે જયદીપ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર વન વિભાગની ટીમ ઊંઘતી રહી અને પોલીસે દરોડો પાડી આ જથ્થો ઝડપી લીધો.

કહેવાય છે 'તરતું સોનું' તેમજ 'સમુદ્રનો ખજાનો' 

ઉલ્લેખનીય છે કે, વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ એ વ્હેલ માછલીના આંતરડામાં બનેલો મીણવાળો પદાર્થ છે, તેનો ઉપયોગ અત્તર તથા ચાઈનીઝ દવા બનાવવામાં વપરાય છે. તે અતિ મૂલ્યવાન વસ્તુ છે તે વ્હેલ માછલીની બોડીમાંથી તેમજ ઘણીવાર સમુદ્રમાં સપાટી પર તરતો જોવા મળે છે, તેને 'તરતું સોનું' તેમજ 'સમુદ્રનો ખજાનો' કહેવામાં આવે છે. વ્હેલ માછલી એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત હોવાથી વ્હેલમાછલીની ઉલટી-એમ્બર ગ્રીસ રાખવું કે  તેનો વેપાર કરવો ગેરકાયદેસર છે.


આ પણ વાંચોઃ BZ ગ્રુપ કૌભાંડ: આરોપીઓના રિમાન્ડ મંજૂર, ભાજપે ભુપેન્દ્રસિંહ સાથે છેડો ફાડ્યો; કાળા નાણાંવાળા રોકાણકારોનું મૌન

શું હોય છે વ્હેલની ઉલટી?

આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે. 

એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. 

આટલી મોંઘી કેમ?

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ અત્તર બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યૂરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.

એમ્બરગ્રીસ લગભગ 40 દેશોમાં પ્રતિબંધિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં તેને રાખવી અને તેનો વ્યાપાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જો કે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે. 

આ સમાચાર શેર કરો