BZ ગ્રુપ કૌભાંડ: આરોપીઓના રિમાન્ડ મંજૂર, ભાજપે ભુપેન્દ્રસિંહ સાથે છેડો ફાડ્યો; કાળા નાણાંવાળા રોકાણકારોનું મૌન

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે. વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે કર્યો છે.
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે. પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપી એવા ભાજપ કાર્યકર્તા ભુપેન્દ્ર સિંહ ઝાલા હાલ ફરાર છે, ત્યારે પોલીસ તેમના નિવાસ સ્થાનથી લઇને વિવિધ જિલ્લામાં તપાસ કરી રહી છે.
7 આરોપીઓની ધરપકડ, એજન્ટના રિમાન્ડ મંજૂર
BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે CID ક્રાઈમે પકડેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા. એક એજન્ટ સહિત BZના સ્ટાફની CID ક્રાઇમે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર મયુર દરજીના 30 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જયારે અન્ય લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CID ક્રાઇમે મયુર દરજી સહિત સાત આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’
ભુપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપના નેતાઓના ચાર હાથ - કોંગ્રેસ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અશોક પટેલે બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા આચરવામાં આવેલ કૌભાંડ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પર ભાજપના નેતાઓના ચાર હાથ છે. ધારાસભ્ય અને મંત્રીઓ બીઝેડ સીઈઓ ભુપેન્દ્રસિંહનું માર્કેટિંગ કરે છે. લોકોના કરોડો રૂપિયા છાવરી લેનારની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.’
મુખ્ય એજન્ટ મયુર દરજીની ધરપકડ
BZ કંપનીના કૌભાંડ સામે આવ્યા બાદ CID ક્રાઈમે માલપુરના મયુર દરજી નામના શખ્સની ધરપકડ બાદ તેના પરિવાર સભ્યો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અરવલ્લી જિલ્લામાં BZના એજન્ટ મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ, રહેણાંક ઘર અને નવીન બનતા અદ્યતન મકાન બંધ હાલતમાં જોવા મળ્યા છે. હાલ મયુર દરજી નામના એજન્ટે નવા બંગલાનું કામ પણ હાથ ધર્યું હતું.
કાર ગિફ્ટ મેળવનાર એજન્ટો ગાયબ, રોકાણકારોનું મૌન
BZ કંપનીમાં મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો હાલ ગાયબ છે. પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ-સંચાલકો પણ ગાયબ છે. એકાએક એજન્ટો ગાયબ થતાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ સુધી મૌન છે. સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો મૌન હોવાનું માનવામાં આવી રહ્યું છે. BZ કંપનીમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ તથા ડોક્ટરો મોટા રોકાણકારો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. અધિકારીઓ-કર્મચારીઓ પોતાનું નામ જાહેર થવાના ડરે ચૂપ છે. તેમને ડર છે કે તપાસનો રેલો તેમના સુધી પહોંચી જશે તો ઈન્વેસ્ટ કરેલા નાણાં ક્યાંથી આવ્યા તેનો પણ હિસાબ આપવો પડશે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે સન્નાટો
BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે માહોલ સૂમસામ જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગરના ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામનો વતની છે. ભૂખ્યા ડેરા ગામે ઘર આગાળ ચમચમાતી કારો ખડકાયેલી છે.જો કે તેના ઘરના દરવાજાઓને બંધ કરી દેવાયા છે.
ગ્રોમોર કેમ્પસમાં સીઆઇડી ક્રાઈમનું સર્ચ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ ગ્રોમોર કોલેજને થોડા સમય પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી. ગ્રોમોર કેમ્પસમાં મોડી રાત સુધી સીઆઇડી ક્રાઈમનું સર્ચ ચાલ્યું હતું. સર્ચ બાદ દસ્તાવેજ સહિત મહત્વના દસ્તાવેજોને સીઆઇડીએ જપ્ત કર્યા છે. ગ્રોમોરના સ્ટાફને સાથે રાખી સર્ચ હાથ ધરાયુ હતું. ગ્રોમોર કેમ્પસ BZ ગ્રુપે એક વર્ષ અગાઉ ખરીદી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે કોલેજના મૂળ માલિકોને નજીવી રકમ ચૂકવી ઝાલા દ્વારા હાથ અધ્ધર કરી દેવાયા હતા. નજીવી રકમ બાદ નાણાં નહિ મળતા મૂળ માલિકોએ કેમ્પસ પર પરત કબજો કર્યો હતો.
વડોદરા પણ સીઆઇડીના દરોડા
વડોદરામાં પણ BZ Group ની BZ Financial Services નામની ઓફિસો છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ સીઆઇડીના દરોડા બાદ પણ BZ Financial Servicesની ઓફિસ ગઈકાલ સુધી ચાલુ હતી પરંતુ આજે આ ઓફિસ બંધ છે. સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા બિલ્ડિંગમાં BZ Groupની આવેલી છે. વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્ન સિંહ સંભાળતા હતા. વડોદરામાં પણ લોકોએ કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

