Video: મકાનનો કાટમાળ ક્યારે દૂર થશે?

સોર્સ: gstv

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં જર્જરીત ઇમારતો ધસી પડવાની ઘટનાઓ વચ્ચે તંત્રની ઉદાસીનતાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાડિયા વિસ્તારમાં આવેલી 'વલંદાની હવેલી' પાસે એક સપ્તાહ પહેલાં એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મકાનનો બાકીનો ભયજનક ભાગ તો ઉતારી લેવામાં આવ્યો, પરંતુ કાટમાળ ખસેડવામાં ન આવતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

​સાંકડા રસ્તા અને કાટમાળથી અવરજવર ખોરવાઈ

જાહેરાત

​કોટ વિસ્તારના રસ્તાઓ અતિશય સાંકડા હોવાથી, રસ્તા પર અને પ્લોટમાં પડેલા કાટમાળના કારણે આખો માર્ગ બંધ જેવો થઈ ગયો છે. લોકોને આ કાટમાળ પરથી ચાલીને પસાર થવાની નોબત આવી છે, જેનાથી અકસ્માત અને ઇજા થવાનું જોખમ પણ વધી ગયું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ કાટમાળ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે.

​AMC તંત્ર અને માલિક વચ્ચે જવાબદારીની ખેંચતાણ

​બીજી તરફ, આ મામલે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાહેર રસ્તા પર પડેલો કાટમાળ દૂર કરવાની જવાબદારી AMCની છે, પરંતુ ખાનગી પ્લોટ કે જમીન પર પડેલો કાટમાળ જે-તે મિલકત માલિકે જાતે જ હટાવવાનો રહે છે.

​સ્થાનિકો દ્વારા AMCમાં આ અંગે લેખિત-મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી યોગ્ય કામગીરી ન થતાં રોષ વ્યાપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર અને મિલકત માલિકની આ ખેંચતાણ વચ્ચે લોકોને ક્યારે હાલાકીમાંથી મુક્તિ મળે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત