ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ, 6 વિદ્યાર્થીઓ દોષિત જાહેર

ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી નોંધ લીધો છે. રેગિંગના મામલે સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ એન્ટી-રેગિંગ કમિટીએ મોટી કાર્યવાહી કરી છે. કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના 6 સિનિયર વિદ્યાર્થીઓને દોષિત જાહેર કરી 1થી 2 વર્ષ સુધી કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે, જ્યારે હોસ્ટેલમાંથી પણ હાંકી કાઢવાના કડક આદેશ આપ્યો છે.
આરોગ્ય મંત્રીની સૂચનાથી કમિટીની બેઠક મળી
મળતી માહિતી અનુસાર, ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ફરિયાદ સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીની સીધી સૂચનાથી કોલેજની એન્ટી-રેગિંગ કમિટીની એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ તપાસ દરમિયાન ઓર્થોપેડિક વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ ઉપરાંત સંબંધિત ફેકલ્ટી સભ્યો તથા સપોર્ટ સ્ટાફને રૂબરૂ બોલાવીને તેમના વિસ્તૃત લેખિત નિવેદનો લેવામાં આવ્યા હતા. ઉપલબ્ધ તમામ દસ્તાવેજી પુરાવાઓ અને નિવેદનોની સમીક્ષા બાદ વિદ્યાર્થીઓ દોષિત સાબિત થયા હતા.
હોસ્ટેલ ખાલી કરવા આદેશ
એન્ટી-રેગિંગ કમિટીના આદેશ અનુસાર, સમગ્ર ઘટનામાં દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને 19મી જૂનની સાંજ સુધીમાં જ પોતાના હોસ્ટેલના રૂમ ખાલી કરી કોલેજ તંત્રને સત્તાવાર જાણ કરવા માટે આખરી અલ્ટીમેટમ અપાયું હતું. સજાના ગાળા દરમિયાન આ વિદ્યાર્થીઓ કોલેજની કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન (રિસર્ચ) કે અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.
દોષિત વિદ્યાર્થીઓને ફટકારાઈ સજા
1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી બરતરફ, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી બરતરફ અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ અસરથી બરતરફ કરાયા છે.રાજ્યના આરોગ્ય વિભાગે આ કડક પગલાં દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આવા કૃત્યો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

