VIDEO: દાંતીવાડા ડેમના 52 વર્ષ બાદ દરવાજા બદલવાની કામગીરી શરૂ, પાણીનો વેડફાટ અટકશે
બનાસકાંઠામાં બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના 11 દરવાજા 52 વર્ષ બાદ બદલવાની કામગીરી

બનાસકાંઠામાં બનાસ નદી પર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના 11 દરવાજા 52 વર્ષ બાદ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસામાં દાંતીવાડા ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હતો. અનેક રજૂઆતો બાદ હવે તંત્ર દ્વારા દાંતીવાડા ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્ષતિગ્રસ્ત દરવાજા બદલવાની કામગીરી શરૂ થતા હવે લાખો લીટર પાણીનો વેડફાટ થતો હતો તે અટકશે.
1973માં દાંતીવાડા ડેમ તૂટ્યો હતો
દાંતીવાડા ગામ નજીક બનાસ નદી પર 1965માં સિંચાઇ અને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો.આ બંધ બંધાયાના 8 વર્ષ પછી 1973માં બંધમાં ભંગાણ પડ્યું હતું.
31 ઓગસ્ટ 1973માં દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવકને કારણે પાલનપુરના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો તૂટી ગયો હતો અને પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ, ભાખર થઇને ડીસાના લાટી બજારમાં ઘુસી ગયું હતું.દાંતીવાડા ડેમ તૂટતા વાયરલેસ સુવિધા ના હોવાથી અધિકારીઓની સૂઝબુઝને કારણે ઢોલ વગાડીને ડેમ તૂટ્યો હોવાનો મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો.











