Video: કચ્છના વહાણ પર ઓમાનની હદમાં ડ્રોન હુમલો, 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ, બેને સામાન્ય ઈજા

કચ્છના માંડવીના વહાણ પર ઓમાનની દરિયાઈ હદમાં ડ્રોન હુમલો થયાની ઘટના સામે આવતાં દરિયાઈ વેપાર અને વહાણવટા ક્ષેત્રે ચિંતા ફેલાઈ છે. દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહેલા માંડવીના એમ.એસ.વી. કુબા (M.N.V. 2183) વહાણને વહેલી પરોઢે નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ હુમલામાં વહાણમાં સવાર 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે, જોકે બે ખલાસીઓને સામાન્ય ઈજા પહોંચી છે."
તમામ ખલાસીઓ સુરક્ષિત
પ્રાપ્ત વિગતો અનુસાર, વહાણ પર હુમલો થયો ત્યારે તેમાં માંડવી અને સલાયા વિસ્તારના કુલ 13 ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત બે ખલાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.
ઈરાને હુમલો કર્યો હોવાની આશંકા
ઘટના દરમિયાન ઓમાનના કસબ બંદરના સ્થાનિક માછીમારોએ તાત્કાલિક મદદ પહોંચાડી હતી. અહેવાલોમાં આ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના વહાણને નિશાન બનાવવામાં આવતાં દરિયાઈ માર્ગે વેપાર કરતા લોકો અને વહાણવટા સાથે સંકળાયેલા પરિવારોમાં ચિંતા વ્યાપી છે. વિદેશી દરિયાઈ હદમાં ભારતીય ખલાસીઓની સુરક્ષા અને વેપારી વહાણોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.











