VIDEO: અંબાજી-આબુરોડ રેલવે પ્રોજેક્ટ: પહાડો ચીરીને રસ્તો બનાવતી ટેક્નોલૉજી, જાણો ક્યારે શરૂ થશે ટ્રેન
VIDEO: ઉત્તર ગુજરાત અને રાજસ્થાનને જોડતા કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ 'તારંગા-અંબાજી-આબુરોડ' રેલવે લાઇનનું કામ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ રૂપિયા 2,798.16 કરોડના વિશાળ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી નજીક ચીખલા ખાતે ગુજરાતની સૌથી લાંબી (2.27 કિમી) ટનલ તૈયાર થઈ રહી છે, જેની 40 ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે.
આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ
અરવલ્લીની પહાડીઓ વચ્ચે બની રહેલી આ ટનલ માટે 'ટેમરોક' જેવા આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ABCI કંપનીના DPM મુનીમ જર્ગના જણાવ્યા મુજબ, માત્ર 11.5 મહિનામાં 683 મીટર ટનલ તૈયાર કરી દેવાઈ છે. ટનલની અંદર વધતી ગરમી અને ઓક્સિજનની અછત સામે લડવા માટે 24 કલાક કાર્યરત વિશાળ વેન્ટિલેશન મશીનો મૂકવામાં આવ્યા છે, જે અંદરની ગરમ હવા બહાર કાઢી તાજી હવા પૂરી પાડે છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
બે મોટી ટનલ: ચીખલા પાસે 2.27 કિમી (સૌથી લાંબી) અને પોશીનાના ધ્રોવફળો પાસે 1.83 કિમી (બીજી સૌથી લાંબી) ટનલ બની રહી છે.
કનેક્ટિવિટી: અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ 14 કિમીની નાની-મોટી ટનલો હશે.
સ્ટેશન અને બ્રિજ: પોશીના તાલુકામાં પેટાછાપરા અને આંબા મહુડા ખાતે બે નવા હોલ્ટ સ્ટેશન બનશે. આ ઉપરાંત 8 મેજર બ્રિજ અને 6 અંડર બ્રિજનું નિર્માણ થશે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2028માં આ ટ્રેક પર પ્રથમ ટ્રેનનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ લાખો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે આજીવિકા અને પ્રવાસનના નવા દ્વાર ખુલશે.

