'ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી', કોંગ્રેસ સાંસદ ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

અંબાજીના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને સ્ટેજ પરથી જનસભાને સંબોધતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર તથા પોલીસ પ્રશાસનને આડે હાથ લીધા હતા.
કથન અને કરણીમાં જમીન-આસમાનનો ફેર: બનાસકાંઠાના સાંસદ
પોતાના સંબોધનમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીની બોલવામાં અને વર્તવામાં જમીન આસમાનનો ફેર છે. એક તરફ દેશના વડાપ્રધાન અને પોલીસ તંત્ર ડ્રગ્સ મુક્ત અભિયાનની વાતો કરે છે, તો બીજી તરફ બનાસકાંઠા અને દાંતા જેવા વિસ્તારોમાં વાસ્તવિકતા સાવ અલગ છે.'
'ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી'
તેમણે સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, આજની તારીખે ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, છતાં ખાતર મળતું નથી. જ્યારે બીજી બાજુ દારૂ, ડ્રગ્સ કે અન્ય કેફી પદાર્થો જોઈતા હોય તો એક ફોન કોલ પર હોમ ડિલિવરી મળી રહે છે. આ બધી પ્રવૃત્તિઓની પોલીસને પૂરતી જાણ હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
હપ્તાખોરીના આક્ષેપ અને 'જનતા રેડ'ની ચેતવણી
ગેનીબેન ઠાકોરે સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે, ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી ઉઘરાવાતા હપ્તા માત્ર ગાંધીનગર સુધી જ નહીં, પરંતુ દિલ્હી સુધી પહોંચે છે. આ હપ્તાખોરીના કારણે જ પ્રદેશના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને બહેન-દીકરીઓએ વિધવા બનવાનો વારો આવે છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે બનાસકાંઠા હોય કે દાંતા હોય, તમે જુઓ તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે, એને લાઈનમાં ઊભું રહેવું પડે. પણ જો તમારે દારૂ, ડ્રગ્સ કે કેફી પદાર્થો જોઈતા હોય તો એની હોમ ડિલિવરી કરાય છે. આ બધી જ પોલીસને ખબર છે પણ છતાંય એ હપ્તા લઈને એ હપ્તા માત્ર ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી પહોંચે છે. અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બહેન દીકરીઓ વિધવા બનવું પડે છે
કોંગ્રેસ પાર્ટી બુટલેગરો અને ડ્રગ્સ વેચવાવાળાનો સર્વે કરાવે: ગેનીબેન
તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લા અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવાવાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે, અને યાદી બનાવીને મોબાઇલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને તેની કોપી આપો.

