Banas Dairy Election: પાર્ટી મેન્ડેટ પહેલા જ દિગ્ગજ નેતાએ ફોર્મ ભરતાં સહકારી ક્ષેત્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું
Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ દરમિયાન ચૂંટણીને લઈને રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. 22મી સપ્ટેમ્બર ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપના પીઢ નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'બનાસ ડેરીનું નિયામક મંડળ ફરી એકવાર બિનહરીફ બનવાની શક્યતા છે.'
ચૂંટલી બિનહરીફ થાય તેવી સંભાવના
થરાદ તાલુકાના ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે પરબત પટેલની સતત હાજરી તે થરાદ બેઠકની ચૂંટણી બિનહરીફ થવાના સંકેત આપે છે. શંકર ચૌધરીના નેતૃત્વ હેઠળ બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહમતિના માહોલનું નિર્માશ થઈ રહ્યું છે. બનાસ ડેરી દ્વારા છેલ્લા એક દાયકામાં કરાવેલા વિકાસકાર્યો દૂધ ઉત્પાદકોને મળતી વધારાની સહાય અને નવી યોજનાઓથી ગ્રામ્ય અર્થતંત્રમાં આવેલા પરિવર્તનોને કારણે મતદારોમાં સકારાત્મક ભાવના છે. સમરસતાના સંકેતોને કારણે બનાસ ડેરીની આવનારી ચૂંટલી બિનહરીફ થાય તેવી સંભાવના છે.
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ
- ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16મી સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી
- ઉમેદવારી પત્રોની ચકાસણી: 23મી સપ્ટેમ્બર
- માન્ય ઉમેદવારી પત્રોની યાદી: 24મી સપ્ટેમ્બર
- ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 29મી સપ્ટેમ્બર
- હરીફ ઉમેદવારોની આખરી યાદી: 30મી સપ્ટેમ્બર
- મતગણતરી: 11મી ઓક્ટોબર
બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધી કુલ 42 ફોર્મનું વિતરણ થયું છે. 16 ડિરેક્ટરોની બેઠકની ચૂંટણી પ્રક્રિયામાં અત્યાર સુધી સૌથી વધુ 11 ફોર્મ વડગામ બેઠક પરથી વિતરણ થયા છે. પાલનપુરમાં 5, દાતા બેઠક પર 9, થરાદમાં 3, દિયોદરમાં 3 ફોર્મનું વિતરણ થયું છે.
ડેરીના ચાલુ ચેરમેન શંકરભાઈ ચૌધરી પોતાના 16 ડિરેક્ટરોની પેનલ સાથે આજે ફોર્મ ભરી શકે એવી શક્યતા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીએ પાલનપુર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ છે. પાર્ટી મેન્ડેટની અનિશ્ચિતતા વચ્ચે કાંકરેજ બેઠક પરથી અણદાભાઈ પટેલે બે ફોર્મ ભર્યાં છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ વચ્ચે દમદાર આગેવાનોની ચૂંટણી લડવાની હોડ જામી છે. પાર્ટી મેન્ડેટ પહેલા જ દિગ્ગજ નેતાએ ફોર્મ ભરતાં સહકારી ક્ષેત્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.






