VIDEO: અમદાવાદ પોલીસની સામે જ ગુંડાઓએ મચાવ્યું તોફાન, મોંઘી દાટ ગાડીઓમાં કરી તોડફોડ
અમદાવાદમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યા બાદ કુખ્યાત પિતાએ કૃષ્ણનગર

અમદાવાદમાં બુટલેગરના પુત્રને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યા બાદ કુખ્યાત પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ સહિતના અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા.અમદાવાદ પોલીસની PCR વાન અસામાજિક તત્ત્વો ગાડીની તોડફોડ કરતા હતા આ દરમિયાન તેમની પાસેથી જ પસાર થઇ હતી અને જતી રહી હતી.
શું છે આખી ઘટના?
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો.અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે મર્સિડીઝ ગાડીમાં આવેલા બે શખ્સોએ આવીને પૂછ્યું કે, ડીપર કેમ માર્યું તેમ કહીને અજીતસિંહ રાઠોડને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ મર્સિડીઝ ગાડી ચાલક બે શખ્સોમાંથી એક શખ્સે કોઈને ફોન કરતા પાંચ જ મિનીટમાં બ્લેક કલરની બીજી એક ફોર વ્હીલર શ્યામ વિહાર સોસાયટી પાસે આવીને ઉભી રહી હતી અને તેમાંથી કુખ્યાત ધમા બારડ સહિત ત્રણથી વધુ શખ્સો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફિસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર માર્યો હતો. આ સમયે અજીતસિંહ રાઠોડના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહિત પાંચ શખ્સો નાસી ગયા હતા ત્યારબાદ ઘાયલ અજીતસિંહે હોસ્પિટલમાં સારવાર બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહિત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
બુટલેગરના દીકરાના અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ પિતા કિશોરસિંહ રાઠોડને થતા કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો અને કુખ્યાત ધમા બારડ સહિતના વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ઘટી ત્યારે અમદાવાદ પોલીસની PCR વાન પણ ત્યાથી પ્રસાર થઇ હતી પણ અસામાજિક તત્વો ગાડીઓના કાચ ફોડતી દેખાઇ નહતી.જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા અમદાવાદ શહેરની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે.
અમદાવાદ પોલીસને શું ખરેખર અસામાજિક તત્ત્વો ના દેખાયા?
અમદાવાદ શહેરની સુરક્ષા જેના હાથમાં છે તે અમદાવાદ પોલીસને અસામાજિક તત્ત્વો ગાડીઓના કાચ ફોડતા હતા તે દેખાયું નહતું. અમદાવાદ પોલીસની PCR વાન અસામાજિક તત્વો તોડફોડ કરતા હતા તે જોઇને તેની પાસેથી જ નીકળી ગઇ હતી. અમદાવાદ પોલીસને PCR વાન પેટ્રોલિંગ માટે નહીં પણ શેર સપાટા કરવા માટે આપવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો હતો.








