પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે નોંધાઇ વધુ એક ફરિયાદ, PSI તરીકેની ખોટી ઓળખ આપી બળાત્કાર તેમજ એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
અમદાવાદની એક ન્યુઝની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં જ્વ

અમદાવાદની એક ન્યુઝની વેબસાઇટના પત્રકાર દિર્ઘાયુ વ્યાસે ક્રાઇમબ્રાંચમાં જ્વેલર્સ અને તેના ભાગીદારો વિરૂદ્ધ દાખલ થયેલી અરજીનો નિકાલ કરી આપવાનું કહી 10 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની ફરિયાદને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે નિકોલમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.પત્રકાર દિર્ઘાયુ વ્યાસે એક શખ્સને ફરિયાદ પાછી ખેચવા દબાણ કરી PSI તરીકેની ઓળખ આપી બળાત્કાર તેમજ એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે નોંધાઇ વધુ એક ફરિયાદ
અમદાવાદ શહેરના નિકોલમાં રોહિત વ્યાસે ફરિયાદી સાહિલ પટેલને ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે ઝઘડો કરી દિર્ઘાયુ વ્યાસ તેમજ બીજા બે માણસોને બોલાવ્યા હતા. દિર્ઘાયુ વ્યાસે ફરિયાદીને અમદાવાદ શહેરમાં પી.એસ.આઇ તરીકે નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી તેની પાસે રહેલી રિવોલ્વર કાઢી ફરિયાદીને માથાના ભાગે મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગંદી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ભાગી ગયા હતા.
PSI તરીકેની ખોટી ઓળખ આપી પણ....
ફરિયાદીએ 28-3-2024ના રોજ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે પોતાની ફોર વ્હિલર ગાડી બહાર પાર્ક કરી હતી.આ દરમિયાન સોસાયટીમાં જ રહેતા રોહિત વ્યાસે ગાડી અહીંથી હટાવી લેવા કહ્યું હતું. તે બાદ ફરિયાદીએ કહ્યુ કે, હું ઘરે આવ્યો છું કપડા બદલીને ગાડી હટાવી લઉં છું. એટલામાં આરોપી રોહિત વ્યાસ ઉશ્કેરાઇ ગયા હતા અને ગંદી ગાળો બોલી હું તને જોઇ લઇશ તેમ કહીને જતા રહ્યા હતા. થોડીવાર પછી રાકેશ વ્યાસ અને ચાર વ્યક્તિઓએ ફરિયાદીને સોસાયટીની બહાર બોલાવ્યો હતો. રોહિત વ્યાસ તેમની દીકરી આ સોસાયટીમાં જ રહેતી હોય ફરિયાદી તેમને સારી રીતે ઓળખતા હતા અને અન્ય એક વ્યક્તિ રિવોલ્વર ભરાઇને ઉભો હતો તેને ફરિયાદીને ધમકી આપી હતી અને કહ્યું કે, હું અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં PSI તરીકે નોકરી કરૂ છું,મારૂ નામ દિર્ઘાયુ વ્યાસ છે, તેમ કહી ફરિયાદીને સાઇડમાં લઇ ગયો હતો અને રિવોલ્વર માથા પર મુકીને કહ્યું કે, 'તું બહુ ડાહ્યો થાય છે, આ રિવોલ્વર તારી સગી નહીં થાય, તું બહુ બોલીશ તો તને જાનથી મારી નાખીશ તેમજ આ નંબર પ્લેટ વગરની ગાડી મારી છે તને ઉઠાવી લઇશ તો કોઇને ખબર પણ નહીં પડે.' દિર્ઘાયુ વ્યાસ, રોહિત વ્યાસ તેમજ તેની સાથે આવેલા બે શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદીએ ગભરાઇને પોતાના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી.
બે દિવસ પછી ફરિયાદી પોલીસ સ્ટેશનમાં રોહિત વ્યાસ સામે ફરિયાદ નોંધાવવા ગયા હતા જ્યાં દિર્ઘાયુ વ્યાસ પોલીસ ચોકી ખાતે હાજર હતો અને તેને ધમકી આપી હતી કે અમદાવાદ પોલીસ વિભાગમાં હું પી.એસ.આઇ છું અને તેના ફોનમાં રહેલા મહાનુભાવો સાથેના ફોટા બતાવી કહ્યું હતું કે હું આ બધાના સંપર્કમાં છું. તું રોહિત વ્યાસ સામે ફરિયાદ પાછી નહીં ખેચે તો અમદાવાદમાં રહેવું અઘરૂ થઇ જશે અને તને શાંતિથી જીવવા નહીં દઇએ. આ સાથે જ દિર્ઘાયુ વ્યાસે ફરિયાદીને બળાત્કાર અને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને સાથે પૈસા પણ આપવા પડશે તેવો રોફ જમાવ્યો હતો.
નિકોલ પોલીસે પત્રકાર દિર્ઘાયુ વ્યાસ સામે IPCની 170, 294 (b),323,506 (2)388,144ns કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








