લેટરકાંડ: શનિવારે અડધો દિવસ અમરેલી બંધનું એલાન, હર્ષ સંઘવી-કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ
અમરેલીમાં લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા છે

અમરેલીમાં લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા છે. દીકરીને ન્યાય અપાવવા માટે પરેશ ધાનાણીએ વધુ 24 કલાક સુધી અન્નજળનો ત્યાગ કર્યો છે અને શનિવારે અમરેલીના વેપારીઓને અડધો દિવસ બંધ પાળવા માટે આહવાન કર્યું છે. આ સાથે જ પરેશ ધાનાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી છે.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 'કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાતનું નાક વાઢ્યું છે ત્યારે નિર્દોષ દીકરીના ન્યાય માટે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલનના 24 કલાક પુરા થયા ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે કોઇ કાયદાનો ભંગ કરનારા લોકો છે તેમને હજુ સુધી સજા આપવામાં આવી નથી. આ આંદોલનને આગળ ધપાવવા વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરૂ છું.'
હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે
આ સાથે જ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધી અને રાજ્યના મુખ્ય દંડક કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માટે ન્યાય આંદોલન સમિતિએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે. આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી ચાર્ટડ ફ્લાઇટમાં અમરેલી આવ્યા હતા ત્યારે શું રાજ્યના ગૃહમંનીત્રી આ પ્રકરણમાં સંડોવણી છે કે તેમ તે ગુજરાત જાણવા માંગે છે. કૌશિક ભાઇ, હર્ષ ભાઇ વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઇ? શું વાતચીત થઇ તે જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને તેમના આંતરિક કોમ્યુનિકેશન, ટેલિફોનિક હોય કે વોટ્સએપ હોય તેની તપાસ કરવામાં આવે તેવી માંગ આ મંચ ઉપરથી ન્યાય આંદોલન સમિતી કરે છે.'
શનિવારે અડધો દિવસ અમરેલી બંધનું એલાન
આ સાથે જ ન્યાય આંદોલન સમિતીએ અમરેલીના વેપારીઓને સ્વેચ્છીક રીતે દીકરી ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં અડધો દિવસ બંધ પાળવાની વિનંતી કરી છે. અમરેલીના વેપારીઓ શનિવાર બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે તેવી વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: 'મોરે મોરા'નો વિવાદ વકર્યો, હવે દેવાયત ખવડનો બ્રિજરાજ ગઢવી પર વળતો પ્રહાર
અમરેલીમાં લેટરકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના લેટરપેડ પર ભાજપના ધારાસબ્ય ઉપર હપ્તાખોરી સહિતના ગંભીર આક્ષોપે કરતા પત્ર બનાવટી હોવા અંગેની પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અન્વયે પુરાવા વગર અપરિણીત પાટીદાર યુવતીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવા અને પટ્ટાથી માર મારવાના ચકચારી બનાવમાં એક તરફ ભાજપના મોવડીઓએ અને સરકારે મૌન સેવ્યું છે. કોઇ પગલા લીધા નથી કે નિવેદન જારી કર્યું નથી.








