સુરતની AM/NS કંપની ફરી વિવાદમાં, હજીરામાં જમીન પર દબાણ કરવા બદલ 18 કરોડનો દંડ
સુરતના હજીરા ખાતે આવેલી એએનએમએસ દ્વારા છેલ્લા વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. શરતોનો ભંગ

સુરતના હજીરા ખાતે આવેલી એએનએમએસ દ્વારા છેલ્લા વર્ષોથી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. શરતોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે હજારો એકર જમીન પર કંપનીએ દબાણ કર્યું હતું. આ અંગે ઘણા તત્કાલિન કલેકટરો સમક્ષ સ્થાનિકો દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં કુલ 18 જેટલા કેસ ચોર્યાસી મામલતદાર સમક્ષ આવ્યા હતા.
10 ફરિયાદોની સુનાવણી
જેમાંથી 10 કેસ ચાલી જતાં મામલતદારે કંપનીને 18 કરોડનો દંડ ફટકાર્યો છે અને જમીન ખુલ્લી કરવા જણાવ્યું છે. એએમએનએસ કંપનીએ સરકારી જમીનો પર પોતાના પ્લાન્ટ તેમજ વેસ્ટ નાંખીને દબાણો કર્યાની પણ ભૂતકાળમાં સ્થાનિકો દ્વારા ફરિયાદો ઉઠી હતી. અલગ-અલગ લોકોએ કંપનીમાંથી નીકળતા સ્લગને લઈને પ્રદૂષણ મામલે પણ ફરિયાદો કરી હતી. આવી દબાણો તથા પ્રદૂષણને લગતી અલગ-અલગ ફરિયાદોમાંથી 10 ફરિયાદોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
4 લોકોના મોત નીપજ્યાં
અંતે ચોર્યાસી મામલતદારે એએમએનએસ કંપની સામે 18 કરોડનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ કંપનીમાં અકસ્માતોની ઘટનાઓ પણ વધી છે. થોડા દિવસ અગાઉ જ 4 લોકોનાં મોત નીપજ્યા હતાં, જેમની લાશ ઓળખવા માટે પરિવારોના ડીએનએ ટેસ્ટ કરવા પડ્યા હતા, જ્યારે હાલમાં જ લિફ્ટ ખોટકાઈ જતાં બે કર્મચારી પટકાયા હતા, જેમાં એકનું મોત થયું હતું.








