જગદીશ વિશ્વકર્માની જીભ લપસી કે ભાજપની હારનો અણસાર? 182ના બદલે 82 બોલી ગયા પ્રદેશ પ્રમુખ!

ભાજપના 182માંથી 182 બેઠકો જીતવાના દાવા વચ્ચે પ્રદેશ પ્રમુખના નિવેદનથી રાજકીય ગરમાવો, કોંગ્રેસે વીડિયો પોસ્ટ કરી કર્યો કટાક્ષગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સ્નેહમિલન સમારોહમાં એવું બોલી ગયા કે હવે કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. આગામી ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો જીતવાના દાવા વચ્ચે જગદીશ વિશ્વકર્માની જીભ લપસી હતી અને તેઓ 182માંથી 82 બેઠકો આવશે તેવું બોલી ગયા હતા.જોકે, આ નિવેદનનો વીડિયો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખને આડેહાથ લીધા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, હાલની પરિસ્થિતિ જોતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સાચું બોલી ગયા છે.ભાજપ એક તરફ 182 બેઠકો જીતવાના આત્મવિશ્વાસભર્યા દાવા કરી રહ્યું છે, ત્યારે પ્રદેશ પ્રમુખની જીભ લપસતાં કોંગ્રેસને ભાજપના દાવાઓની હવા કાઢવાની તક મળી છે. હવે આ નિવેદન માત્ર જીભ લપસવાની ભૂલ છે કે રાજકીય સંકેત, તે મુદ્દે ચર્ચા તેજ બની છે.














