અમદાવાદની ત્રણ સ્કૂલો અને ગાંધીનગરની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે

અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલ બોપલની ડીપીએસ, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ સહિત ઘણી સ્કૂલ તથા ગાંધીનગરમાં કોર્ટને ઈ-મેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત શહેરના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી
આ થ્રેટ મેઇલની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે ઝાયડસ સહિતની શાળાઓ સત્વરે ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાતાં ગભરાયેલા વાલીઓ દોડતા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં શાળાઓ ખાતે 108 એમ્બ્યુલન્સ અને પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરીને ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જ્યારે બીજી બાજુ ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના ઇ-મેલ આઇડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી સામે આવી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને તંત્ર દ્વારા ત્વરિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી અમદાવાદ સાયબર ક્રાઈમે અને સુરત ક્રાઈમે બે શખ્સની ધરપકડ કરી હતી. જે બાદ ફરીથી બોમ્બની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે.
આ ગંભીર ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી છે. તેમણે તમામ સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ ચેક કરવા અને જો આવો કોઈ ધમકીભર્યો મેઈલ મળ્યો હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા આદેશ કર્યો છે. વધુમાં, કોઈપણ જાતના ગભરાટ વિના બાળકોને શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસની તપાસ કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા શાળાઓને તાકીદ કરવામાં આવી છે.

