Video: અમદાવાદ મનપાના ઉત્સવોની પબ્લિસિટી પાછળ ૧૪ કરોડનો ખર્ચ, વિપક્ષના ભાજપ પર પ્રચારના આક્ષેપ

સોર્સ: gstv

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉજવાતા વિવિધ ઉત્સવોની પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રજાના ટેક્સના પૈસાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહ્યું છે.અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હવે આ ઉત્સવોના પ્રચાર એટલે કે પબ્લિસિટી પાછળ થયેલા જંગી ખર્ચ સામે વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં એએમસી દ્વારા ઉત્સવોના હોર્ડિંગ્સ અને પબ્લિસિટી પાછળ અંદાજે ૧૪ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જેમાં કાંકરિયા કાર્નિવલ પાછળ ૬ કરોડ ૮૪ લાખ, ફ્લાવર શો પાછળ ૩ કરોડ ૬ લાખ, બુક ફેર પાછળ ૨ કરોડ ૨૬ લાખ અને વિશ્વ યોગ દિવસ પાછળ ૧ કરોડ ૯ લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરાયો છે. દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષી સહિત વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, આ જાહેરાતોમાં ભાજપના નેતાઓ અને 'ડબલ એન્જિન સરકાર'ના બેનરો લગાવીને પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે.વિપક્ષની માંગ છે કે શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે આ પ્રકારના બિનજરૂરી પબ્લિસિટી ખર્ચ પર તાત્કાલિક કાપ મૂકવામાં આવે.

આ સમાચાર શેર કરો

જાહેરાત