અમદાવાદ મેટ્રો ફેઝ-1નું કામ આખરે પૂર્ણ, આવતીકાલથી 'સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન' ધમધમશે

અમદાવાદ મેટ્રો ફેઝ-1નું કામ આખરે પૂર્ણ, આવતીકાલથી 'સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન' ધમધમશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના શહેરીજનો અને રેલવે મુસાફરો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં બાકી રહી ગયેલા એકમાત્ર 'સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન'નું બાંધકામ આખરે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) તરફથી મળેલી માહિતી મુજબ, આ સ્ટેશન આવતીકાલે (28 નવેમ્બર, 2026)થી મુસાફરોની સેવા માટે વિધિવત રીતે શરૂ કરવામાં આવશે. આ સ્ટેશન કાર્યરત થવાની સાથે જ અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સંપૂર્ણ કામ આખરે પૂર્ણ થયું છે.

જમીન સંપાદન અને કોર્ટ કેસના કારણે વિલંબ થયો હતો

જાહેરાત

મેટ્રો ફેઝ-1ના અન્ય તમામ રૂટ અને સ્ટેશનો શરૂ થઈ ગયા હોવા છતાં સાબરમતી સ્ટેશનની કામગીરી અધૂરી રહી ગઈ હતી. શરૂઆતના તબક્કામાં આ મેટ્રો સ્ટેશન માટે જમીન સંપાદનની પ્રક્રિયા અને ત્યારબાદ થયેલા કોર્ટ કેસના પગલે આ સ્ટેશન તૈયાર થવામાં લાંબો વિલંબ થયો હતો. જોકે, તમામ અવરોધો દૂર થયા બાદ GMRC દ્વારા ઝડપી કામગીરી કરીને સ્ટેશનને તૈયાર કરી દેવામાં આવ્યું છે.

રેલવે મુસાફરોને સીધી કનેક્ટિવિટી મળશે

આ નવા સ્ટેશનની સૌથી મોટી વિશેષતા તેની કનેક્ટિવિટી છે. સાબરમતી મેટ્રો સ્ટેશનને સાબરમતી જેલરોડ સ્થિત રેલવે સ્ટેશન સાથે સીધી કનેક્ટિવિટી આપવામાં આવી છે. જેના પગલે હવે મુસાફરો મેટ્રો ટ્રેનમાંથી આ સ્ટેશન પર ઉતરીને કોઈપણ પ્રકારના ટ્રાફિક કે મુશ્કેલી વિના સીધા જ સાબરમતી રેલવે સ્ટેશન પર જઈ શકશે.

સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશનથી પ્રથમ અને છેલ્લી ટ્રેનનો સમય:

GMRC દ્વારા મુસાફરોની સુવિધા માટે આ સ્ટેશનથી ઉપડતી પ્રથમ અને છેલ્લી મેટ્રો ટ્રેનનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે:

એપીએમસી (APMC) તરફ - પ્રથમ ટ્રેન સવારે 6:27 કલાકે આવશે અને છેલ્લી ટ્રેન રાત્રે 11:10 કલાકે આવશે. 
મહાત્મા મંદિર તરફ - પ્રથમ ટ્રેન સવારે 6:45 કલાકે અને છેલ્લી ટ્રેન રાત્રે 9:10 કલાકે આવશે.
ગિફ્ટ સિટી (GIFT City) તરફ - પ્રથમ ટ્રેન સવારે 7:11 કલાકે - સાંજે 6:32 કલાકે આવશે.
કોટેશ્વર રોડ તરફ - રાત્રે 11:35 કલાકે આવશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત