અમદાવાદમાં સ્વચ્છ હવા માટે AMCનો ચાર વર્ષીય એક્શન પ્લાન: 1,186 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ

અમદાવાદમાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા અને નાગરિકોને સ્વચ્છ હવા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026થી 2029 સુધીનો ચાર વર્ષીય એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ બાંધકામ સાઇટ્સ પર ધૂળનું નિયંત્રણ, ઔદ્યોગિક પ્રદૂષણ સામે કાર્યવાહી, રસ્તાઓ પરથી ઊડતી ધૂળમાં ઘટાડો અને શહેરમાં હરિયાળી વિસ્તાર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વર્ષ 2029 સુધીમાં શહેરનું ગ્રીન કવર 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
308 સેન્સર અને 10 મોનિટરિંગ સ્ટેશનથી હવાની ગુણવત્તા પર નજર
શહેરમાં હવાની ગુણવત્તા માપવા માટે કેન્દ્ર સરકારનાં 8 અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)નાં 2 મળીને કુલ 10 કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન (CAAQMS) કાર્યરત છે. આ ઉપરાંત બાંધકામ સ્થળોએ 243 ડસ્ટ સેન્સર, AMCની વોર્ડ કચેરીઓમાં સ્માર્ટ સિટી દ્વારા અંદાજે 50 એન્વાયર્નમેન્ટલ સેન્સર અને ઇસરો (ISRO) દ્વારા 15 સેન્સર લગાવવામાં આવ્યા છે. આમ, કુલ 308 સેન્સર મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. આ સેન્સરમાંથી મળતા ડેટાનું AMC દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. કોઈ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધે તો એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ (AQMC)ની ટીમ સ્થળ તપાસ કરીને પ્રદૂષણનાં કારણો શોધે છે અને સંબંધિત વિભાગોને કાર્યવાહી માટે સૂચના આપે છે.
1,186 સાઇટ્સનું નિરીક્ષણ, 4,114 નોટિસ ફટકારાઈ
બાંધકામ સાઇટ્સ પર ધૂળનું પ્રમાણ ઘટાડવા AMC દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન AQMC અને એસ્ટેટ વિભાગે શહેરમાં કુલ 1,186 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કુલ 4,114 નોટિસ આપવામાં આવી છે. નોટિસ અને દંડની કાર્યવાહી બાદ અંદાજે 30 સાઇટ્સને સીલ પણ કરવામાં આવી છે. 1 એપ્રિલથી 22 નવેમ્બર, 2026 દરમિયાન બાંધકામ સાઇટ્સ પાસેથી કુલ રૂ.3,25,98,400નો દંડ વસૂલવામાં આવ્યો છે. ઝોનવાર વસૂલાતમાં નોર્થવેસ્ટ ઝોનમાં રૂ.1.05 કરોડ, સાઉથવેસ્ટ ઝોનમાં રૂ.43.15 લાખ, વેસ્ટ ઝોનમાં રૂ.40.37 લાખ, સેન્ટ્રલ ઝોનમાં રૂ.10.07 લાખ, નોર્થ ઝોનમાં રૂ.41.60 લાખ, ઈસ્ટ ઝોનમાં રૂ.65.31 લાખ અને સાઉથ ઝોનમાં રૂ.43.15 લાખનો દંડ વસૂલાયો છે.
બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવાનું ફરજિયાત
જુલાઈ 2025થી AMC દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ નીતિ અંતર્ગત 20,000 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા ધરાવતી બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર લગાવવાનું ફરજિયાત છે. આ ઉપરાંત બાંધકામ સ્થળોએ ગ્રીન નેટ, પાણીનો છંટકાવ, બાંધકામ સામગ્રીને ઢાંકવાની વ્યવસ્થા અને વાહનોનાં ટાયરની વ્હીલ વોશિંગ જેવી બાબતોનું પાલન કરાવાય છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરતી સાઇટ્સને પ્રથમ તબક્કે નોટિસ અને દંડ ફટકારવામાં આવે છે. ત્યારબાદ પણ સુધારો ન થાય તો એસ્ટેટ વિભાગ દ્વારા સાઇટ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
રસ્તાઓની ધૂળ ઘટાડવા મિસ્ટિંગ અને રિસરફેસિંગ
શહેરમાં રસ્તાઓ પરથી ઊડતી ધૂળને નિયંત્રિત કરવા માટે પણ AMC દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ધૂળનું પ્રમાણ વધુ હોય તેવા રસ્તાઓની ઓળખ કરીને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રિસરફેસિંગ, એન્ડ-ટુ-એન્ડ રોડ ડેવલપમેન્ટ, RCC અને વ્હાઇટ ટોપિંગની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં મિસ્ટ મશીન દ્વારા દિવસ-રાત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. રોડ ડિવાઇડર અને રસ્તાની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગેરકાયદે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટનો નિકાલ અટકાવવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
PM10નું પ્રમાણ 103થી ઘટીને 102 નોંધાયું
AMCના આંકડા મુજબ અમદાવાદમાં PM10નું પ્રમાણ વર્ષ 2024-25 દરમિયાન 103 હતું, જે વર્ષ 2025-26માં ઘટીને 102 નોંધાયું છે. શહેરનું વર્તમાન ગ્રીન કવર અંદાજે 13 ટકા છે. પીરાણા ખાતે બાયોમાઇનિંગ અને મિસ્ટિંગની કામગીરીથી સ્થાનિક સ્તરે ધૂળના પ્રમાણમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. જોકે, નેશનલ હાઇવે, AMCના બ્રિજ પ્રોજેક્ટ્સ, કાંકરિયા રેલવે યાર્ડ અને એસ.પી. રિંગ રોડના અપગ્રેડેશન જેવા વિકાસકાર્યોને કારણે કેટલાક વિસ્તારોમાં ધૂળ અને પ્રદૂષણ નિયંત્રણનો પડકાર યથાવત્ છે. ખાસ કરીને શિયાળામાં હવામાં રહેલા સૂક્ષ્મ પ્રદૂષક કણો જમીનની સપાટીની નજીક રહેતા હોવાથી પ્રદૂષણની અસર વધી શકે છે.
IIT કાનપુર કરશે પ્રદૂષણનાં સ્ત્રોતોનો અભ્યાસ
અમદાવાદમાં પ્રદૂષણનાં સ્ત્રોતો, તેમનું પ્રમાણ અને સમયની ઓળખ કરવા માટે IIT કાનપુર દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી AMC સાથે કાર્યરત ICLEI South Asiaનું માર્ગદર્શન પણ લેવામાં આવી રહ્યું છે. ચાર વર્ષીય એક્શન પ્લાનના ટૂંકા ગાળાના આયોજનમાં દરેક વોર્ડમાં વધુ હાઇપર-લોકલ સેન્સર સ્થાપિત કરવા, બાંધકામ સ્થળોએ ડસ્ટ સેન્સર વ્યવસ્થા મજબૂત બનાવવા અને ડિમોલિશન પોલિસીનો કડક અમલ કરાવવા પર ભાર મૂકાયો છે.
2029 સુધી ગ્રીન કવર 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક
લાંબા ગાળાના આયોજન હેઠળ શહેરના મુખ્ય રસ્તાઓ, ઔદ્યોગિક વિસ્તારો અને પ્રદૂષણના હોટસ્પોટ વિસ્તારોમાં ધૂળમુક્ત રસ્તાઓ વિકસાવવામાં આવશે. બાંધકામ સાઇટ્સ પર ડસ્ટ સેન્સર, ટાયર વોશર, એન્ટી સ્મોગ ગન અને CCTV જેવી સુવિધાઓ ઊભી કરીને તેનું મોનિટરિંગ કરવામાં આવશે. શહેરમાં અર્બન ફોરેસ્ટ વિકસાવવા, ગાર્ડન વિસ્તાર વધારવા અને રસ્તાઓની આસપાસ વૃક્ષારોપણ કરીને 2029 સુધીમાં ગ્રીન કવર 13.5 ટકાથી વધુ કરવાનો લક્ષ્યાંક છે. ઔદ્યોગિક એકમોમાં પ્રદૂષણ નિયંત્રણનાં સાધનો, ઓનલાઇન કન્ટિન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ (OCEMS) અને સ્વચ્છ ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
ડ્રોન સર્વેલન્સ અને EVને પણ પ્રોત્સાહન
આયોજનમાં ગેરકાયદે C&D વેસ્ટના નિકાલ અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી, મુખ્ય રસ્તાઓ પર મિકેનિકલ સ્વીપિંગ અને સ્મશાનગૃહોમાં પ્રદૂષણ નિયંત્રણનાં સાધનો સ્થાપિત કરવા સહિતનાં પગલાં સામેલ છે. આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ, એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ સિસ્ટમ, વાહનોનાં PUC પ્રમાણપત્રની કડક ચકાસણી અને ઇલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની પણ યોજના છે. હવાની ગુણવત્તા માપતાં તમામ ઉપકરણોને એક જ ડેશબોર્ડ સાથે જોડવાની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે.
કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદને સ્વચ્છ હવા અને વધુ સારી પર્યાવરણીય સુવિધાઓ ધરાવતા શહેર તરીકે વિકસાવવાના હેતુથી AMC દ્વારા આ ચાર વર્ષીય આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ યોજનાનો અમલ અને વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન શહેરની હવાની ગુણવત્તા સુધારવામાં કેટલું અસરકારક બને છે તે મહત્ત્વનું રહેશે.














