અમદાવાદમાં ડ્રગ્સથી લઈને કફ સીરપ સુધી નશાનો કારોબાર, પોલીસે 5 સ્થળોએ દરોડા પાડી 6 આરોપીઓને પકડ્યા

અમદાવાદમાં ડ્રગ્સથી લઈને કફ સીરપ સુધી નશાનો કારોબાર, પોલીસે 5 સ્થળોએ દરોડા પાડી 6 આરોપીઓને પકડ્યા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થો અને ડ્રગ્સની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેના પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા (રેડ) પાડી NDPS એક્ટ હેઠળ ગુના નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કફ સિરપ, મેફેડ્રોન, ગાંજો, ચરસ અને વાહનો સહિત કુલ રૂ. 8,19,483નો મુદ્દામાલ જપ્ત કર્યો છે તથા આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 6 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

દાણીલીમડા ઢોરબજાર મેદાન પાસેથી કફ સિરપની 252 બોટલ ઝડપાઈ

એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડા ઢોરબજાર મેદાનની ઝાડીઓમાંથી મોહમ્મદ અસલમ ઉર્ફે મામા મલેકને ગેરકાયદેસર કોડેઈનયુક્ત કફ સિરપની 252 સીલબંધ બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. જપ્ત કરાયેલી કફ સિરપની કિંમત રૂ. 2,96,403 તથા મોબાઈલ સહિત કુલ રૂ. 3,01,403નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ જથ્થો આપનાર એઝાઝ ઉર્ફે જાદુ તેમજ વેચાણ માટે લાવી આપનાર રઈશ ઉર્ફે પટવા પઠાણ અને સનોફરને વોન્ટેડ જાહેર કરાયા છે.

દાણીલીમડામાં રિક્ષામાંથી 100 બોટલ કફ સિરપ સાથે શખ્સ પકડાયો

દાણીલીમડા પોલીસે બેરલ માર્કેટ ઢાળ ઉતરતાં દવાખાના સામેની ગલીમાં સી.એન.જી. રિક્ષામાંથી સલમાન ગુલઝારખાન પઠાણને ઝડપી લીધો હતો. તેની પાસેથી કોડેઈનયુક્ત કફ સિરપની 100 બોટલ, રિક્ષા, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. 1,98,050નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કફ સિરપનો જથ્થો આપનાર આરોપી ઈર્શાદ ઉર્ફે ઈસ્સો શેખને ઝડપી લેવા તપાસ શરૂ કરાઈ છે.

દરિયાપુરમાં ગાંજા અને ચરસ સાથે આરોપી ઝડપાયો

દરિયાપુર પોલીસે લુણસાવાડ ત્રણ બત્તી પાસે જાહેર રોડ પરથી ફૈસલ મુસ્તાકબેગ મિરઝાને 63.170 ગ્રામ ગાંજા અને 4.560 ગ્રામ ચરસ સાથે પકડી પાડ્યો હતો. તેની પાસેથી બર્ગમેન ટુ-વ્હીલર, મોબાઈલ, રોકડા રૂ. 6,850 અને ખાલી બેગ-પડીકી સહિત કુલ રૂ. 1,06,148નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ માદક પદાર્થ આપનાર શકીલ સિદ્દીકી (સિધ્ધી) ઉર્ફે બાદશાહને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

રાયપુર ભજિયા હાઉસ બહાર મેફેડ્રોન સાથે બે ઝડપાયા

એન્ટી નાર્કોટિક્સ વિંગ સેક્ટર-1 અને કાગડાપીઠ પોલીસે રાયપુર ભજિયા હાઉસ બહાર જાહેર રોડ પરથી ફિરોઝભાઈ મલેક અને સોહેલ શેખને 6.180 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી બર્ગમેન ટુ-વ્હીલર અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1,01,800નો મુદ્દામાલ કબજે કરાયો છે. મેફેડ્રોનનો જથ્થો આપનાર ઈમુ શાહેઆલમની શોધખોળ ચાલુ છે.

મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ પરથી ગાંજા સાથે શખ્સ ઝડપાયો

મેઘાણીનગર પોલીસે અમરાજીનગર ગલી નં. 4 અને 5 પાસે ભાર્ગવ રોડ પરથી વિશાલ ઉર્ફે ગાંગો રમેશભાઈ પટણીને 4.140 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ઓટોરિક્ષા, મોબાઈલ અને રોકડા રૂ. 1,880 મળી કુલ રૂ. 1,12,082નો મુદ્દામાલ કબજે કરાયો છે. કુબેરનગર રેલવે ફાટક પાસેથી ગાંજો આપનાર અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત