સંખેડાના કૃષ્ણપુરા વસાહતમાં રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકી, માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

સંખેડાના કૃષ્ણપુરા વસાહતમાં રસ્તાના અભાવે ગ્રામજનોને હાલાકી, માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

છોટા ઉદેપુર જિલ્લાના ઘણાં એવા વિસ્તારોના રહીશો યોગ્ય રોડ-રસ્તા, પાણી, આરોગ્ય સહિતની સુવિધાથી વંચિત છે. તેવામાં સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતના લોકોએ રસ્તાની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોનો આક્ષેપ છે કે, ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી ગામની મુલાકાત પણ લીધી નથી. આમ, માંગણીઓ જો સંતોષવામાં નહીં આવે તો ગ્રામજનોએ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિકાસની વાતો વચ્ચે 15 વર્ષથી રસ્તા માટે વલખાં!

જાહેરાત

સંખેડાના કૃષ્ણપુરા વસાહતના લોકોનો આક્ષેપ છે કે, 'છેલ્લા 15 વર્ષથી ફળિયાને જોડતો મુખ્ય રસ્તો બનાવવામાં આવ્યો નથી. RCC રસ્તો તૂટી ગયો હોવાથી કપચી પણ નીકળી ગઈ છે અને સાવરણીથી વાળીએ તો તેમાં રેતી, કપચી અને સિમેન્ટનો ઢગલો થઈ જાય છે. રસ્તો બનાવવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી છે. આ મામલે સંખેડા ધારાસભ્યને પણ જણાવ્યું છે.'

ચૂંટણીના સમયે દરેક નેતાઓ વોટ લેવા માટે આવે છે, પરંતુ ચૂંટણી પતી જાય ત્યારે પાછું વળીને જોતા નથી. જેને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરીને થાકી જતાં ગામજનો ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યા હતા અને નવો રસ્તો બનાવવાની માગ કરી છે.

નવો રોડ બનાવવાની માગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિકોનું કહેવું છે કે, 'છેલ્લા 15 વર્ષથી કૃષ્ણપુરા વસાહતનો રસ્તો બન્યો નથી. ખરાબ રસ્તાના કારણે નર્મદાના 100 જેટલાં મકાનોના પરિવારજનોને અસર થઈ રહી છે. ખખડધજ રસ્તાથી લોકો હેરાન-પરેશાન છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ધારાસભ્ય તમામ ભાજપના નેતાઓ ચૂંટાયેલા છે. દર વખતે ગામના લોકો ભાજપના ઉમેદવારને મત આપે છે, પરંતુ મત મેળવ્યા બાદ અમારી સમસ્યાનો નિકાલ કેમ કરતા નથી?'

આદિવાસી વિસ્તારમાં વિકાસની મોટી વાતો વચ્ચે કૃષ્ણપુરા ગામના લોકો રસ્તા બનાવવાની માગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'નેતાઓ અને તંત્ર અમારી સમસ્યા નહીં સાંભળે તો આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.'

આ સમાચાર શેર કરો

જાહેરાત