Video: ધોળકામાં ગેસ પાઇપલાઇનનો ખેડૂતોમાં વિરોધ, ખેડૂત આગેવાનો જેલભેગા, 29 નવેમ્બરે વટામણમાં કિસાન મહાપંચાયત

અમદાવાદ જિલ્લાના ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ કંપની દ્વારા ખેડૂતોનાં ખેતરોમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે વિવાદ વકર્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈ પૂર્વ જાણ, નોટિસ કે વળતર આપ્યા વગર તેમની જમીનમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. તાજેતરમાં કામગીરીનો વિરોધ કરવા પહોંચેલા ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની પોલીસે અટકાયત કરતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પથ્થરમારો અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડવાના આક્ષેપસર બ્રિજરાજ સોલંકી સહિત સાત નામજોગ અને કુલ 50 લોકો સામે કોઠ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. વધુ રિમાન્ડ ન માગવામાં આવતાં તેમને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા 29 નવેમ્બરે વટામણ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ જોડાવાના છે.















