અમદાવાદમાં 85 કોમ્યુનિટી હોલનું સમારકામ 5 દિવસમાં પૂર્ણ કરવા AMCની સૂચના, મકતમપુરા જિમની દરખાસ્ત પરત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે ચેરમેન કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મકતમપુરા જિમ્નેશિયમની ટેન્ડર દરખાસ્તમાં વિસંગતતા જણાતાં તેને પરત કરવામાં આવી હતી. જ્યારે શહેરના તમામ 85 કોમ્યુનિટી હોલમાં ત્રણથી પાંચ દિવસમાં સમારકામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
મકતમપુરા જિમ્નેશિયમની ટેન્ડર દરખાસ્તમાં વિસંગતતા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે મકતમપુરા જિમ્નેશિયમની ટેન્ડર દરખાસ્તની તપાસ દરમિયાન કેટલીક વિસંગતતાઓ સામે આવી હતી. વર્ષ 2022ના કરારના આધારે જિમ્નેશિયમની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી હતી, પરંતુ મકતમપુરા જિમ્નેશિયમમાં જીમ ઉપરાંત યોગા રૂમ અને લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેથી આ વધારાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બેઝ પ્રાઇસ વધુ હોવી જોઈએ. આ ઉપરાંત, ટેન્ડરની શરતો મુજબ કંપનીએ પ્રાથમિક ફર્નિચર, CCTV કેમેરા અને ROની સુવિધા પૂરી પાડવાની હતી, પરંતુ આ તમામ સુવિધાઓ AMC દ્વારા અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. તેથી આ શરતો દૂર કરવા અથવા તેના આધારે બેઝ પ્રાઇસમાં ફેરફાર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. ટેન્ડરમાં જીમ ચલાવવાનો અથવા જીમ કોચ તરીકેનો અનુભવ જરૂરી રાખવામાં આવ્યો હતો, પરંતુ લાઇબ્રેરી અને યોગા રૂમના સંચાલન માટે અનુભવની કોઈ શરત નહોતી. આવી વિવિધ વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ મકતમપુરા જિમ્નેશિયમની દરખાસ્ત પરત કરી હતી.
ઢોર પકડવાની 19 ટીમોની કામગીરીનો હિસાબ માંગ્યો
શહેરમાં ઢોર પકડવાની કામગીરી અંગે પણ સ્ટેન્ડિંગ કમિટીએ વિગતો માગી છે. હાલમાં AMCના CNCD વિભાગ હેઠળ ઢોર પકડવા માટે 19 ટીમો કાર્યરત છે. આ ટીમોમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં દરેક ટીમે કેટલી ગાયો પકડી છે અને દરેક ટીમ પાછળ કેટલો ખર્ચ થાય છે તેની માહિતી માગવામાં આવી છે. કમિટીએ આ વિગતો મેળવીને ટીમોની કામગીરી અને તેના પર થતા ખર્ચની સરખામણી કરવાનો નિર્ણય લીધો છે. તેના આધારે ઢોર પકડવાની કામગીરી કેટલી અસરકારક રીતે થઈ રહી છે તેનું મૂલ્યાંકન કરી શકાશે.
85 કોમ્યુનિટી હોલમાં 3થી 5 દિવસમાં સમારકામ
લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને AMC સંચાલિત કોમ્યુનિટી હોલની સુવિધાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં કુલ 85 કોમ્યુનિટી હોલ આવેલા છે. અગાઉની બેઠકમાં આ હોલમાં રહેલી ખામીઓ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન અનેક હોલમાં કાચ તૂટેલા હોવા, લાઇટની સુવિધાનો અભાવ, નળમાંથી પાણી લીક થવું અને ગટર ભરાઈ જવી જેવી સમસ્યાઓ સામે આવી હતી. આથી નાની સમસ્યાઓ આગામી ત્રણ દિવસમાં અને મોટી સમસ્યાઓ પાંચ દિવસમાં દૂર કરવા સૂચના આપવામાં આવી છે. સમારકામ પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને કાઉન્સિલરો દ્વારા કોઈપણ કોમ્યુનિટી હોલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. તપાસ દરમિયાન ખામી જણાશે તો જવાબદાર અધિકારી પાસેથી ખુલાસો માગવામાં આવશે.
જંકશનના કામ માટે 5 કંપનીઓ એમ્પેનલ
શહેરના વિવિધ જંકશન પર ડિઝાઇન અને અન્ય કામગીરી માટે પાંચ કંપનીઓને એમ્પેનલ કરવામાં આવી છે. જંકશનની સ્થિતિ અને સ્થળને ધ્યાનમાં રાખીને કામગીરીના દર નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં અગાઉ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. હવે સ્ટેન્ડિંગ કમિટીએ વધુ એક સુધારો મંજૂર કર્યો છે. તે મુજબ એમ્પેનલ કરાયેલી પાંચ કંપનીઓ સિવાય અન્ય કોઈ કંપની કે સંસ્થાને જંકશનનું કામ સોંપવામાં આવે તો પહેલાં સંબંધિત કમિટી અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ નિર્ણયથી કામગીરીમાં પારદર્શિતા અને નિયંત્રણ જાળવવાનો પ્રયાસ કરાશે.
30 નવેમ્બરે ટેરેરિયમ વર્કશોપ અને સ્પર્ધા
નાગરિકોમાં પ્રકૃતિ અને હરિયાળી પ્રત્યે જાગૃતિ વધારવા માટે AMC દ્વારા 30 નવેમ્બરે રસાલા ગાર્ડન-લો ગાર્ડન ખાતે ટેરેરિયમ વર્કશોપ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેનારા નાગરિકોએ પોતે તૈયાર કરેલું ટેરેરિયમ રજૂ કરવાનું રહેશે. સ્પર્ધકોની કૃતિઓ 15 ડિસેમ્બર, 2026 સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કના ગેટ નંબર-2 ખાતે આવેલી કચેરીમાં જમા કરાવવાની રહેશે. શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં રજૂ થયેલી તમામ ટેરેરિયમ કૃતિઓને આગામી ફ્લાવર શો દરમિયાન પણ પ્રદર્શિત કરવામાં આવશે. જેથી ફ્લાવર શોની મુલાકાતે આવતા નાગરિકો આ સર્જનાત્મક કૃતિઓ નિહાળી શકશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે શહેરના નાગરિકોને આ વર્કશોપ અને સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.













